ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ગુંજશે સંસ્કૃતના શ્લોકો! આઝાદી બાદ પહેલી વખત લાહોર યુનિવર્સિટીમાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ

ભારત અને પાકિસ્તાનના ભાગલાના સાત દાયકા બાદ પડોશી દેશમાંથી એક આશ્ચર્યજનક અને આવકારદાયક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ તેના અભ્યાસક્રમમાં પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનો સમાવેશ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. દાયકાઓ સુધી જે ભાષાની પાકિસ્તાની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપેક્ષા કરવામાં આવતી હતી, તે હવે ત્યાંના વર્ગખંડોમાં સત્તાવાર રીતે ભણાવવામાં આવશે.

લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS) એ શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિકારી ડગલું ભરતા સંસ્કૃત ભાષાનો ‘ચાર ક્રેડિટ’નો કોર્સ શરૂ કર્યો છે. અગાઉ આ યુનિવર્સિટીમાં માત્ર ત્રણ મહિનાની પ્રાયોગિક વર્કશોપ ચલાવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સફળતાને આધારે હવે તેને કાયમી અભ્યાસક્રમ તરીકે માન્યતા આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, આ કોર્સમાં વિદ્યાર્થીઓને લોકપ્રિય ‘મહાભારત’ શ્રેણીના ગીતોના ઉર્દૂ અનુવાદ દ્વારા સંસ્કૃતની સમજ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની યુનિવર્સિટીમાં હવે સંસ્કૃત ભણાવાશે, 77 વર્ષ પછી થશે પરિવર્તન…

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં સંસ્કૃત ભાષા સાથે જોડાયેલો ઘણો મોટો અને અમૂલ્ય દસ્તાવેજી સંગ્રહ ઉપલબ્ધ છે. ખાસ કરીને પંજાબ યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં સંસ્કૃતના સમૃદ્ધ આર્કાઈવ્સ છે, પરંતુ યોગ્ય જાણકારીના અભાવે અત્યાર સુધી તેની અવગણના થતી રહી હતી. LUMS નો આ પ્રયાસ માત્ર ભાષા શીખવવા પૂરતો સીમિત નથી, પરંતુ તે પાકિસ્તાનમાં દટાયેલા શૈક્ષણિક વારસાને પુનર્જીવિત કરવાની દિશામાં પણ મહત્વનું પગલું છે.

આ કોર્સની શરૂઆત થતા જ પાકિસ્તાનના બૌદ્ધિક વર્ગ અને વિદ્યાર્થીઓમાં એક અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે. ભાષાના જાણકારોનું માનવું છે કે સંસ્કૃત શીખવાથી આ પ્રદેશના જૂના સાહિત્ય અને ઈતિહાસને સમજવામાં ઘણી મદદ મળશે. શૈક્ષણિક વર્તુળોમાં આ નિર્ણયને સાંકડા રાજકીય દાયરામાંથી બહાર નીકળીને જ્ઞાન અને સંસ્કૃતિને મહત્વ આપવાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button