પતિના અફેરથી પરેશાન હતી સાનિયા, ફેન્સ પાસે માગી પ્રાઈવસી
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે સના જાવેદ નામની અભિનેત્રી સાથે ત્રીજીવાર લગ્ન કરી સૌને આશ્ચર્યમાં મૂક્યા હતા. જોકે તેમની ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સાથેની મેરેજલાઈફ તકલીફો વચ્ચે પસાર થઈ રહી હોવાના અહેવાલો વહેતા થયા હતા અને સાનિયા પુત્ર ઈઝહાન સાથે શોએબથી અલગ રહેતી હોવાનું પણ સૌ કોઈ જાણે છે. હવે પાકિસ્તાની મીડિયાએ બન્નેના લગ્નજીવનમાં ભંગાણ માટે સના સાથેના ઓએબના સંબંધોને જવાબદાર ગણાવ્યા છે. સાનિયા સાથે લગ્ન કર્યાના આઠ વર્ષ બાદ બન્નેને પુત્ર થયો હતો અને હવે 14 વર્ષ બાદ બન્ને અલગ થયા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર સના સાથેના શોએબના સંબંધોથી સાનિયા પરેશાન હતી અને બન્ને વચ્ચેના ખટરાગનું આ કારણ હતું. આથી સાનિયા પણ પતિથી અલગ થવા માગતી હતી. જોકે બન્નેના છૂટાછેડાની ચર્ચા વચ્ચે શોએબના સના સાથેના લગ્નની તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. આ સાથે એવી ખબર પણ મળી છે કે શોએબના આ લગ્નથી તેની બહેન ખુશ નથી. તેની બહેનને સના સાથેના શોએબના સંબંધો પસંદ ન હતા અને હવે લગ્નથી પણ તે નારાજ છે. જ્યારે તેનો ભાઈ લગ્નમાં જોવા મળ્યો હતો.
આ સાથે એક ટીવી શૉની ક્લિપ પણ વાયરલ થઈ રહી છે જેમાં સાનિયા એમ કહેતી જોવા મળે છે કે પાકિસ્તાની ક્રિકેટર પોતાની પત્નીઓને મજાક કરવાની ચીજ સમજે છે અને તેઓ હંમેશાં તેમની મજાક ઉડાવતા રહે છે. દરમિયાન સાનિયાની બહેને પોસ્ટ કરી લખ્યું છે કે સાનિયા જીવનના ઘણા નાજૂક સમયમાંથી પસાર થઈ રહી છે. તેને થોડા સમયની જરૂર છે અને તેને પ્રાઈવસીની જરૂર છે, આથી તેની વ્યક્તિગત જિંદગી વિશે ગમે તેમ લખવા કે કહેવામાં ન આવે અને તેને થોડા સમય એકાંત આપવામાં આવે.
જોકે સેલિબ્રિટીના જીવનના સારા નસરા પ્રસંગો સમયે ફેન્સ પણ ઈમોશનલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર નેટીઝન્સ આ કપલના અલગ પડવા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને શોએબ પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા વિવાદો વચ્ચે સાનિયા અને શોએબે 2010માં લગ્ન કર્યા હતા.