અમેરિકાના ટેરિફ વચ્ચે રશિયાના ઉપપ્રધાનમંત્રી લેશે ભારત મુલાકાત, શું છે ટ્રમ્પના ટેરિફ મોદીનો એક્શપ્લાન?

ભારત અને અમેરિકા વચ્ચે પાછલા ઘણા સમયથી આર્થિક વ્યવહારના મોરચે તણાવો જોવા મળી રહ્યો છે. જેનું એક મુખ્ય કારણ રશિયા સાથેના ભારતના આર્થિક વ્યવહાર ગણવામાં આવે છે. આ વચ્ચે ફરી એક વખત રશિયાના ઉપ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ આ મહિને નવી દિલ્હીની મુલાકાતે આવશે. આ પ્રવાસનું મુખ્ય કારણ કૃષિ અને વેપાર રહેશે. આ મુલાકાત ભારતીય ઝીંગા નિર્યાત અને રશિયાના ખાતર પુરવઠાને વેગ આપી શકે છે, જે અમેરિકાના કડક ટેરિફના કારણે ઉભી થયેલી પડકારો વચ્ચે એક સકારાત્મક પગલું ગણવામાં આવે છે.
દિમિત્રી પાત્રુશેવ, જે કૃષિ ક્ષેત્રના નિષ્ણાત છે, તેમની આ મુલાકાતમાં ભારતીય મંત્રીઓ સાથે વાતચીત કરીને દ્વિપક્ષીય વેપારને વધારવા પર ભાર મૂકશે. અમેરિકા ભારતીય ઝીંગાનો સૌથી મોટો ખરીદદાર છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફના કારણે આ વેપારને મોટો ફટકો પડ્યો છે. હવે રશિયા આ તકનો લાભ લઈને ભારતીય ઝીંગા માટે નવું બજાર બની શકે છે, જે ભારતીય એક્સપોટર્સ માટે રાહતરૂપ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સરકારે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવા માટે મસમોટો ટેરીફ લગાડ્યો છે. જેનાથી અમેરિકામાં ઝીંગાના ઈનપોર્ટ પર કુલ ટેરિફ 58%થી વધુ થઈ શકે છે. આ ઉપરાંત, અમેરિકા G-7 દેશોને પણ ભારત અને ચીન વિરુદ્ધ ટેરિફ લાદવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં G-7 વિદેશ મંત્રીઓની બેઠકમાં અમેરિકાએ આવો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનાથી ભારતીય વેપાર પર વધુ દબાણ વધ્યું છે. ભારતીય ઝીંગા એક્સપોટર્સ હવે અમેરિકી બજારમાં ઇક્વાડોર, ઇન્ડોનેશિયા, વિયતનામ અને ચીન જેવા દેશો સાથે તીવ્ર સ્પર્ધા કરવી પડી રહી છે.
અમેરિકા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધને આર્થિક સમર્થન આપવાનો આરોપ લગાવી રહ્યું છે, પરંતુ ભારતે આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને અનુચિત ગણાવ્યા છે. ભારત તેની નીતિને રાષ્ટ્રીય હિત, બજારની સ્થિતિ અને ઊર્જા સુરક્ષા પર આધારિત માને છે. આ સ્થિતિમાં રશિયા સાથેના વેપારી સંબંધોને મજબૂત કરવાથી ભારતને વૈકલ્પિક બજાર અને પુરવઠા મળી શકે છે, જે લાંબા ગાળે આર્થિક સ્થિરતા વધારશે.
આ પણ વાંચો…રફાલ ડીલ પર લાગી બ્રેક? ફ્રાન્સના સંરક્ષણ પ્રધાનની ભારત મુલાકાત અચાનક રદ