ચીન સરહદ નજીક રશિયાનું પ્લેન An-24 ક્રેશ, તમામ મુસાફરોના મોતની આશંકા | મુંબઈ સમાચાર

ચીન સરહદ નજીક રશિયાનું પ્લેન An-24 ક્રેશ, તમામ મુસાફરોના મોતની આશંકા

મોસ્કો: વિશ્વમાં ફ્લાઈટ સાથે બનતી દુર્ઘટનામાં ઉત્તરોતર વઘારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આવી દુર્ઘટના વધુ પ્રકાશમાં આવી રહી છે. આજે ફરી એક વખત રશિયાના પૂર્વીય અમૂર વિસ્તારમાં એક યાત્રી વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટ્યા બાદ રડાર પર ગાયબ થયા હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે હવે આ વિમાન ક્રેશ થયા હવોના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જોગાણું જોગ અમદાવાદમાં બનેલ એર ઈન્ડિયા ફ્લાઈટ ક્રેશ પણ ગુરુવારે જ થયું હતું. જેમાં ફ્લાઈટમાં સવાર 241 મુસાફર સહિત 30 સ્થાનિક લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આજે ગુરુવારે જ રશિયાના વિમાનના ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. આ ફ્લાઈટ ક્રેશમાં પણ તમામ મુસાફરોના મૃત્યુ થયા હોવાની આશંકા છે.

અનિલ એંગારા એરલાઈન્સનું An-24 વિમાન, જેમાં 40 યાત્રીઓ (5 બાળકો સહિત) અને 6 ક્રૂ સભ્યો સવાર હતા, ટિંડા એરપોર્ટ નજીક રડાર પરથી ગાયબ થયું હતું. વિમાને 570 કિલોમીટરની ઉડાન પૂર્ણ કરી હતી, પરંતુ ટિંડા એરપોર્ટ પર પ્રથમ લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો. બીજા લેન્ડિંગ પ્રયાસ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો. ઉલ્લેખનીય છે કે, આ વિમાન ખાબારોવ્સ્કથી બ્લાગોવેશ્ચેન્સ્ક થઈ ટિંડા શહેર જઈ રહ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ, વિમાનનો મલબો અમૂર વિસ્તારમાં મળી આવ્યો છે. સ્થાનિક આપાતકાલીન વિભાગે જણાવ્યું કે વિમાન આખરી સુરક્ષા ચેકપોઈન્ટ પહેલાં ગાયબ થયું હતું. જે બાદ ફ્લાઈટનો દુર્ઘટનાગ્રસ્ત હાલતમાં મલબો મળી આવ્યો છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું પ્લેન ભારત કે મોરોક્કોનું નહીં, પરંતુ આ દેશનું હતું પ્રાઈવેટ પ્લેન

અમૂર પ્રદેશ, જે ચીનની સરહદ નજીક આવેલો છે, તેની ભૌગોલિક અને હવામાનની સ્થિતિઓ પડકારજનક છે. પ્રાથમિક માહિતી પ્રમાણે હવામાનની ખરાબ સ્થિતિ અને તકનીકી ખામીઓ દુર્ઘટનાનું સંભવિત કારણ માનવામાં આવે છે, જોકે ચોકક્સ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ફ્લાઈટમાં 50 મુસાફરો સવાર હતા. જ્યારે હાલ સુધીમાં દુર્ઘટનામાં થયેલા મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી.

આ દુર્ઘટનાએ રશિયાના ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષા અને જૂના વિમાનોના ઉપયોગ અંગે ચર્ચા ઉભી કરી છે. An-24 જેવા વિમાનો દૂરના વિસ્તારોમાં હજુ પણ વપરાય છે, પરંતુ આવી ઘટનાઓ આધુનિકીકરણની જરૂરિયાત દર્શાવે છે. બચાવ ટીમો વિમાનના મલબા અને યાત્રીઓની શોધમાં સતત કામ કરી રહી છે. આગામી કલાકોમાં વધુ માહિતી મળવાની આશા છે, જે દુર્ઘટનાના કારણો અને પરિણામોને સ્પષ્ટ કરશે.

આ પણ વાંચો: બાંગ્લાદેશે કર્યું તે કર્યું, પણ ભારત નિભાવશે પાડોશી ધર્મ, પ્લેનક્રેશના પીડિતોને આ રીતે કરશે મદદ…

An-24, જેનું પૂરું નામ એન્ટોનોવ-24 છે, તે સોવિયેત યુગમાં બનાવવામાં આવેલું નાની મુસાફરી માટે ડબલ એન્જિન ટર્બોપ્રોપ યાત્રી વિમાન છે. 1959માં પ્રથમ વખત ઉડાન ભરનાર આ વિમાન ખાસ કરીને ટૂંકી મુસાફરી અને પ્રાદેશિક ઉડાનો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વિમાન 1,500 થી 2,000 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને ટૂંકા રનવે પરથી ટેકઓફ અને લેન્ડિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફ્લાઈટ પર્વતીય વિસ્તારો માટે પરફેક્ટ માનવામાં આવે છે. તેની મજબૂત ડિઝાઇન તેને કાર્ગો અને સૈન્ય પરિવહન માટે પણ ઉપયોગી બનાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button