હુમલાના પરિણામો વિનાશક સાબિત થશે: ઈરાન પર અમેરિકાના ‘હુમલાની ધમકી’ પર રશિયાએ આપી ચેતવણી

મોસ્કો/વોશિંગ્ટન: ઈરાનમાં શરૂ થયેલું જનઆંદોલન હિંસક બની રહ્યું છે. સેના સાથે થયેલી અથડામણોમાં અત્યારસુધી 2400થી વધુ લોકોના મોત થયા છે. આવા સંજોગોમાં અમેરિકાએ ઈરાની પ્રદર્શનકારીઓને પ્રોત્સાહિત કર્યા છે અને તેમના સમર્થનમાં ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે. ત્યારે રશિયાએ અમેરિકાની આ ગર્ભિત ધમકીનો સખત વિરોધ કર્યો છે.
અમેરિકા ‘બ્લેકમેલ’ કરી રહ્યું છે
ઈરાનમાં ચાલી રહેલા લોહિયાળ જનઆંદોલન વચ્ચે હવે બે મહાસત્તાઓ સામસામે આવી ગઈ છે. રશિયાએ ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની ગર્ભિત ધમકીનો સખત વિરોધ નોંધાવ્યો છે. રશિયન વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને અમેરિકાના વલણને ‘સંપૂર્ણપણે અસ્વીકાર્ય’ ગણાવ્યું છે. રશિયાએ ચેતવણી આપી છે કે, ઈરાન પર કોઈપણ સૈન્ય હુમલો મધ્ય પૂર્વ અને સમગ્ર વિશ્વની સુરક્ષા માટે વિનાશક સાબિત થશે. અમેરિકા ટેરિફ વધારવાની ધમકી આપીને ઈરાનના સાથી દેશોને ડરાવવાનો અને ‘બ્લેકમેલ’ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રશિયન વિદેશ મંત્રાલયના મતે, પશ્ચિમી પ્રતિબંધોને કારણે સર્જાયેલી આર્થિક અને સામાજિક સમસ્યાઓને કારણે ઈરાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. વધી રહેલા સામાજિક તણાવનો લાભ ઉઠાવીને વિદેશી શક્તિઓ ઈરાની સરકારને અસ્થિર અને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઈરાનમાં જે અરાજકતા ફેલાઈ રહી છે, તેની પાછળ વિદેશથી નિર્દેશિત કેટલાક તાલીમ પામેલા હથિયારબંધ લોકો રહેલા છે. ઈરાનમાં ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય થશે, એવી રશિયાના વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે. સાથોસાથ તમણે ઈરાનમાં રહેતા રશિયન નાગરિકોને ભીડભાડવાળી જગ્યાઓએ ન જવાની સલાહ આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું રહસ્યમય એલાન
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની અધિકારીઓ સાથેની તમામ વાતચીત સ્થગિત કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પ્રદર્શનકારીઓને પ્રોત્સાહિત કરતા લખ્યું હતું કે, “ઈરાની દેશભક્તો, સંઘર્ષ ચાલુ રાખો. હત્યારાઓ અને જુલમ કરનારાઓના નામ યાદ રાખજો, તેઓએ ભારે કિંમત ચૂકવવી પડશે. મદદ ટૂંક સમયમાં આવી રહી છે.”
ઉલ્લેખનીય છે કે, જ્યારે પત્રકારોએ ડૉનાલ્ડ ટ્રમ્પ પાસે આ ‘મદદ’ અંગે સ્પષ્ટતા માંગી, ત્યારે “તમારે જાતે જ શોધવું પડશે.” માત્ર એટલું જ કહીને ટ્રમ્પે સસ્પેન્સ ઊભું કર્યું હતું. ડૉનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને ઘણા રાજદ્વારીઓ ઈરાન પર સૈન્ય હુમલાની આગોતરી ચેતવણી તરીકે જોઈ રહ્યા છે.



