ઇન્ટરનેશનલનેશનલ

રશિયામાં છરી વડે હુમલો: કિશોરે ઘાયલોના લોહીથી સ્વસ્તિક ચિહ્ન બનાવ્યું; આ વિચારધારાથી પ્રેરિત હતો

મોસ્કો: ગઈ કાલે શનિવારે રશિયાના બાશ્કોર્ટોસ્તાન રિપબ્લિકના ઉફા શહેરમાં આવેલી એક મેડીકલ યુનિવર્સીટીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક 15 વર્ષીય કિશોરે છરી વડે હુમલો કરીને 6 લોકોને ઘયાલ કર્યા, જેમાં ચાર ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાની તપાસમાં આઘાતજનક હકીકતો જાણવા મળી રહી છે.

કિશોર છરી લઇને ઉફામાં આવેલી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના પરિસરમાં ઘૂસીને ગયો હતો અને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન તેણે બે પોલીસ અધિકારીઓને પણ છરીના ઘા માર્યા હતાં. કિશોરે પોતાના શરીર પર છરી વડે ઘસરકા કર્યા હતાં. કિશોરને ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેની હાલત ગંભીર હોવાની જાણકારી છે.

પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલો હતો:
અહેવાલ મુજબ હુમલાખોર નેશનલ સોશિયાલીઝમ/ વ્હાઇટ પાવર (NS/WP) ક્રૂ સંગઠન સાથે જોડાયેલો છે, જે હિટલરની નાઝી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત નિયો નાઝી સંગઠન છે, જેના પર રશિયામાં પ્રતિબંધ છે.

હુમલા દરમિયાન કિશોરે હોલોકોસ્ટ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ ઉપરાંત તેણે હુમલામાં ઘાયલ લોકોના લોહીથી દિવાલ પર દોરેલા સ્વસ્તિકનું ચિહ્ન પણ બનાવ્યું, જે હિટલરની નાઝી પાર્ટીનું ચિહ્ન હતું.

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસે આ હુમલામાં ચાર ભારતીય વિધાર્થીઓ ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી હતી. રશિયન ફેડરલ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે.

ગત અઠવાડિએ કેન્દ્રએ સંસદમાં 2018 થી 2025 દરમિયાન વિદેશમાં હિંસક હુમલાઓમાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ વિશે પણ માહિતી આપી હતી. ડેટા મુજબ, ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં સૌથી વધુ અસુરક્ષિત છે, 2018 થી 2025 દરમિયાન કેનેડામાં 17, યુએસએમાં 9, ઓસ્ટ્રેલિયામાં 3 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.

આપણ વાંચો:  રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો: હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ-પોલીસ પર હુમલો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button