Russia Ukraine War: ટ્રમ્પે ઝેલેંસ્કી સાથે કરી મુલાકાત, યુદ્ધ ખતમ કરવાનો કર્યો વાયદો

પેરિસઃ રશિયા-યુક્રેન વચ્ચે ચાલતાં યુદ્ધને (Russia Ukraine Conflict) લઈ મોટા સમાચાર છે. અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે (Donald Trump) યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી (Ukraine President Zelensky) યુદ્ધ ખતમ કરવાનો વાયદો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસમાં મેક્રો અને ઝેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પ પેરિસમાં ‘નોટ્રે ડેમ કૈથેડ્રલ’ ફરી ખોલવામાં આવ્યો તેના ભવ્ય ઉત્સવમાં સામેલ થવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં સાથે મુલાકાત કરી હતી. તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીને પણ મળ્યા હતા.
ટ્રમ્પની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણકે યુક્રેન-રશિયા યુદ્ધને લઈ ટ્રમ્પની નીતિ બાઇડેનથી અલગ છે. તેઓ અનેક વખત યુદ્ધ ખતમ કરવાનો વાયદો કરતાં જોવા મળ્યા છે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ ટ્રમ્પે પ્રથમ વખત ઝેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી. આ કારણે મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા પણ ટ્રમ્પે તેઓ યુદ્ધને ખતમ કરાવી દેશે તેમ કહ્યું હતું.
યુક્રેનના રાષ્ટ્રપતિએ તાજેતરમાં કહ્યું હતું કે, તેઓ અમેરિકાની ફોર્મુલા જોશે અને બાદમાં વાતચીત કરશે. પ્રથમ વખત જ ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચે રૂબરુ વાત થઈ હતી. આ વખતે મેક્રોંની હાજરી પણ હતી. જેના પરથી ત્રણેયની મુલાકાત યુદ્ધ ખતમ કરવાની દિશામાં ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
યુદ્ધ સમાપ્ત થવામાં ભારતનો શું હોઈ શકે છે રોલ?
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે દોહા ફોરમમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર તેમના વિચાર શેર કરતાં જણાવ્યું કે, ભારતની ભૂમિકા આ જંગમાં વાતચીત દ્વારા ઉકેલ લાવવાની છે, નહીં કે યુદ્ધને પ્રોત્સાહન આપવાની. તેમણે કહ્યું, યુદ્ધ ચાલુ રાખવાની તુલનામાં વાતચીતની વાસ્તવિકતા વધુ વધી રહી છે. ભારત હંમેશા શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં રહ્યું છે અને આ નીતિ તેને વૈશ્વિક મંચ પર પ્રભાવશાળી બનાવે છે.
Also Read – અમેરિકાએ આપ્યો Iran ને મોટો આંચકો, 35 કંપનીઓ અને જહાજ પર મુકયો પ્રતિબંધ…
જયશંકરે જણાવ્યું, ભારત આ જંગમાં તટસ્થ છે અને બંને પક્ષો સાથે વાતચીત કરી છે. અમે રશિયા અને યુક્રેન બંને વચ્ચે વાતચીત કરી છે. ભારતે મૉસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન અને કીવમાં રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીને મળીને પારદર્શી રીતે એક-બીજા સાથે મેસેજ શેર કર્યા છે. તેમના અનુસાર, ભારતનો એકમાત્ર હેતુ શાંતિપૂર્ણ રીતે યુદ્ધનો અંત લાવવાનો છે.