યુદ્ધનો અંત નજીક? પુતિને ઝેલેન્સકીને મોસ્કો આવવા આમંત્રણ આપ્યું

મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયાને ચાર વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે, અનેક પ્રયાસો છતાં યુદ્ધવિરામ શક્ય બન્યો નથી. એવામાં હવે યુદ્ધનો અંત આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. રશિયાએ ગુરુવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને શાંતિ વાટાઘાટો માટે મોસ્કો આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
રશિયા સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે ઝેલેન્સકીને મોસ્કો આવવાના આમંત્રણનો હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
નોંધનીય છે કે ગાત વર્ષે પણ ઝેલેન્સકીને આવું જ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમને આમંત્રણ નકારી કાઢ્યું હતું. તેમણે એ સમયે કહ્યું હતું કે તેઓ એવા દેશની રાજધાનીમાં નહીં જાય, જે તેમના દેશ પર દરરોજ મિસાઇલો છોડે છે.
અબુ ધાબીમાં શાંતિ મંત્રણા:
અહેવાલ મુજબ ગત અઠવાડિયે UAEના અબુ ધાબીમાં યુએસની મધ્યસ્થી હેઠળ શાંતિ મંત્રણા યોજાઈ હતી, અહેવાલ મુજબ આ બેઠકોમાં બંને દેશો પર શાંતિ કરાર માટે દબાણ કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ એક યુએસ અધિકારીએ જણાવ્યું કે યુએસ મધ્યસ્થી થયેલા વાટાઘાટો પછી ઝેલેન્સકી અને પુતિન એક બેઠક માટે તૌયાર થયા છે.
રશિયન અને યુક્રેનિયનના પ્રતિનિધિમંડળો વચ્ચે અબુ ધાબીમાં રવિવારે વાટાઘાટોનો વધુ એક રાઉન્ડ યોજાવાનો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આશા વ્યક્ત કરી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે ગંભીર તફાવતો:
રશિયા અને યુક્રેન બંને એક બીજા પર સતત ઘાતક હુમલા કરી રહ્યા છે. રશિયાએ તાજેતરમાં કરેલા મિસાઈલ હુમલાને કારણે યુક્રેનના વીજળપુરવઠા માળાખાને ભારે નુકસાન પહોંચ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટો થઇ રહ્યા છે, પરંતુ બંને પક્ષો વચ્ચે તફાવતોનો અંત નથી આવી રહ્યો. શાંતિ કરાર હેઠળ કયો પ્રદેશ કોને મળે છે, યુદ્ધ પછીના યુક્રેનમાં ઇન્ટરનેશનલ પીસકીપર્સની સંભવિત હાજરી અને રશિયનના નિયંત્રણ હેઠળના ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પાવર પ્લાન્ટને યુક્રેન પર પરત સોંપવા સહીતના મુદ્દે સહમતી બની શકી નથી.



