
રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ રોકવા માટે અમેરિકાએ ઘણી વખત મધ્યસ્થી કરાવવાના પ્રયાસ કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા હતા. ત્યારે રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે બુધવારે ઈસ્તાંબુલમાં સાત અઠવાડિયા બાદ પ્રથમ વખત શાંતિ વાટાઘાટો યોજાયો હતો. આ બેઠક એવા સમયે થઈ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર યુદ્ધ વિરામની સમજૂતી કરવા દબાણ વધાર્યું. આ વાટાઘાટો બંને દેશો વચ્ચેના લાંબા સંઘર્ષને ઉકેલવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન ઇચ્છે છે કે આ બેઠક રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી વચ્ચે શિખર બેઠકનો માર્ગ મોકળો કરે. આવી શિખર બેઠકને સંઘર્ષના નિરાકરણ માટે નિર્ણાયક માનવામાં આવે છે. જોકે, રશિયાનું ક્રેમલિન આ બેઠકથી કોઈ મોટી સફળતાની આશા રાખતું નથી.
અગાઉ 16 મે અને 2 જૂનની બેઠકોમાં યુદ્ધબંદીઓ અને મૃત સૈનિકોના શબોનું આદાન-પ્રદાન થયું હતું, પરંતુ આ બેઠકો ત્રણ કલાકથી ઓછી હતી અને યુદ્ધના અંત માટે કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ ન હતી. ટ્રમ્પે ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સકી સાથેની જાહેર ચર્ચા બાદ તેમના સંબંધોમાં સુધારો કર્યો છે. બીજી તરફ, પુતિન પ્રત્યેની તેમની નારાજગી સતત વધી રહી છે.
ટ્રમ્પે રશિયાને ગત સપ્તાહે ચેતવણી આપી હતી કે 50 દિવસમાં શાંતિ સમજૂતી નહીં થાય તો રશિયા અને તેના નિકાસ ખરીદનારા દેશો પર કડક પ્રતિબંધો લાગુ થશે. જોકે, નાણાકીય બજારોની પ્રતિક્રિયા દર્શાવે છે કે રોકાણકારોને આ ચેતવણીના અમલ અંગે શંકા છે.
ઇસ્તાંબુલની આ બેઠક રશિયા-યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે નવી આશા જગાવે છે, પરંતુ પડકારો હજુ ઘણા છે. યુક્રેન શિખર બેઠક દ્વારા નક્કર પરિણામની અપેક્ષા રાખે છે, જ્યારે રશિયાનું વલણ સંયમિત છે. ટ્રમ્પનું દબાણ અને બજારોની પ્રતિક્રિયા આ વાટાઘાટોના ભાવિ દિશા નિર્ધારિત કરશે.