યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધનો આવશે અંત? અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર રશિયાનો જવાબ જાણો…

ફ્લોરિડા: અમેરિકાના ફ્લોરિડામાં રશિયન પ્રતિનિધિઓ અને ટ્રમ્પ પ્રશાસનના ખાસ દૂતો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. રશિયન દૂત કિરીલે આ વાતચીતને ‘રચનાત્મક’ ગણાવી છે. આ બેઠકમાં ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર હાજર રહ્યા હતા. રશિયાનું કહેવું છે કે આ મંત્રણા અત્યંત ગંભીર છે અને બંને પક્ષો કોઈ ચોક્કસ ઉકેલ સુધી પહોંચવા માટે મથામણ કરી રહ્યા છે. શનિવાર બાદ રવિવારે પણ આ મંત્રણા ચાલુ રહેવાની શક્યતા છે, જે યુદ્ધવિરામ તરફનું મોટું પગલુ માનવામાં આવે છે.
બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી આ વાટાઘાટો પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભવિષ્યનો આધાર રશિયા સાથેની વાતચીત બાદ અમેરિકાના વલણ પર રહેશે. યુક્રેનની મુખ્ય શરત એ છે કે કોઈપણ શાંતિ સમજૂતીમાં તેની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં. યુક્રેનના વાટાઘાટ કરનારા પણ આ મામલે અમેરિકા અને યુરોપિયન ભાગીદારો સાથે અલગ-અલગ બેઠકો યોજીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે.

શાંતિ પ્રયાસો વચ્ચે પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના વલણ પર મક્કમ દેખાય છે. રશિયાએ સંકેત આપ્યા છે કે તેઓ તેની મુખ્ય શરતો પર પીછેહઠ કરવા તૈયાર નથી. પુતિનનું કહેવું છે કે જો યુક્રેન રશિયાની માંગણીઓ સ્વીકારશે નહીં, તો રશિયન સેના પોતાના સૈન્ય લક્ષ્યો હાંસલ કરવા માટે યુદ્ધ ચાલુ રાખશે. યુદ્ધના મેદાનમાં ભારે નુકસાન છતાં રશિયન સેના ધીમે ધીમે આગળ વધી રહી છે, જે શાંતિ વાર્તામાં એક મોટો અવરોધ સાબિત થઈ શકે છે.
યુદ્ધની આ અનિશ્ચિતતા વચ્ચે યુરોપિયન યુનિયન (EU) એ યુક્રેન માટે મોટી રાહતની જાહેરાત કરી છે. આગામી બે વર્ષમાં યુક્રેનની સૈન્ય અને આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે 90 અબજ યુરોની સહાય આપવા પર સહમતિ બની છે. જોકે, ફ્રીઝ કરવામાં આવેલી રશિયન સંપત્તિનો ઉપયોગ કરવા બાબતે હજુ કેટલાક મતભેદો છે, તેથી આ રકમ બજારમાંથી ઉધાર લઈને ઉભી કરવામાં આવશે. આ નિર્ણય દર્શાવે છે કે પશ્ચિમી દેશો હજુ પણ યુક્રેનને મજબૂત ટેકો આપવા માટે કટિબદ્ધ છે.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ફોટક નિવેદન, કહ્યું રશિયા યુક્રેન યુદ્ધ નહી અટકે તો ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાશે



