
મોસ્કો: છેલ્લા બે મહિનાથી વિમાન દુર્ઘટનાઓ વધી રહી છે. જૂન મહિનામાં અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ થયું હતું. તાજેતરમાં 21 જુલાઈના રોજ બાંગ્લાદેશની એક શાળા પર પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશની દુર્ઘટનાઓમાં વધુ એક દુર્ઘટનાનો ઉમેરો થયો છે. આજે રશિયામાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે.
રશિયામાં ક્યાં સર્જાઈ વિમાન દુર્ઘટના?
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, રશિયાની અંગારા એરલાઇન્સનું ટ્વીન-એન્જિન એન્ટોનોવ-24 વિમાન બ્લાગોવેશેન્સ્ક શહેરથી ટિંડા શહેર તરફ જવા રવાના થયું હતું. આ વિમાનમાં 49 મુસાફરો સવાર હતા. પરંતુ બ્લાગોવેશેન્સ્ક શહેરથી ટેક-ઓફ થયેલું એન્ટોનોવ-24 વિમાન ટિંડા ખાતે પહોંચી શક્યું ન હતું. કારણ કે તે અમુર વિસ્તારના ટિંડા શહેરથી 16 કિમી દૂર એક ટેકરી પર ક્રેશ થઈ ગયું હતું.
અમુર વિસ્તારની નાગરિક સંરક્ષણ એજન્સીએ વિમાન દુર્ઘટનાને લઈને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. એજન્સીએ જણાવ્યું હતું કે, “દુર્ઘટનાસ્થળે 25 લોકો અને સાધનોના પાંચ એકમો મોકલવામાં આવ્યા છે. આ સિવાય ક્રૂ સાથે ચાર વિમાન સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.”
મૃતકોમાં 5 બાળકોનો પણ સમાવેશ
રશિયામાં સર્જાયેલી આ વિમાન દુર્ઘટનાનું કારણ સામે આવ્યું નથી. હાલ આ દુર્ઘટના માટે નબળી વિઝિબિલિટીને જવાબદાર ગણાવવામાં આવી રહી છે.પરંતુ વિમાન દુર્ઘટના અંગે રશિયાના કટોકટી મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “બ્લાગોવેશેન્સ્ક શહેરથી ટિંડા શહેર તરફ જઈ રહેલું વિમાન રડારમાંથી ગાયબ થયું હતું. શોધખોળ બાદ વિમાનનો સળગતો ભાગ મળી આવ્યો છે.”
ઉલ્લેખનીય છે કે, એન્ટોનોવ-24 વિમાનમાં કુલ 49 મુસાફરો સવાર હતા. જેમાં પાંચ બાળકો અને છ ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થાય છે.