રશિયાએ યુક્રેન પર કર્યો 653 ડ્રોન અને 51 મિસાઇલથી મોટો હુમલો

કિવ:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની ચર્ચા વચ્ચે રશિયાએ ફરી એક વાર યુક્રેન પર એક મોટો હુમલો કર્યો છે. જેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો માનવામાં આવે છે. જેમાં રશિયાએ કુલ 653 ડ્રોન અને 51 મિસાઇલોથી એટેક કર્યો હતો. આ હુમલા એવા સમયે કરવામાં આવ્યો જ્યારે યુક્રેન તેના સશસ્ત્ર દળ દિવસની ઉજવણી કરી રહ્યું હતું.
હુમલામાં આઠ લોકો ઘાયલ થયા
આ અંગે મળતી માહિતી મુજબ યુક્રેનની સેનાએ 585 ડ્રોન અને 30 મિસાઇલોને તોડી પાડી હતી. જ્યારે 29 સ્થળોએ હુમલા સફળ રહ્યા હતા.
યુક્રેનના આંતરિક બાબતોના પ્રધાન ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું હતું કે હુમલામાં આઠ લોકો ઘાયલ થયા છે.
આપણ વાચો: રશિયા અને યુક્રેન ફરી તુર્કીયેમાં આવશે એક ટેબલ પર, ઝેલેન્સકીએ શાંતિ વાટાઘાટોના આપ્યા સંકેત
ઉર્જા સુવિધાઓ આ હુમલાઓનું મુખ્ય લક્ષ્ય હતી
આ ઉપરાંત યુક્રેનની રાષ્ટ્રીય ઉર્જા કંપની, યુક્રેનર્ગોએ ટેલિગ્રામ પર પોસ્ટ કર્યું કે રશિયાએ ઘણા પ્રદેશોમાં પાવર સ્ટેશનો અને અન્ય ઉર્જા માળખા પર મોટા પાયે મિસાઇલ-ડ્રોન હુમલા કર્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે ઉર્જા સુવિધાઓ આ હુમલાઓનું મુખ્ય લક્ષ્ય હતી. તેમણે અહેવાલ આપ્યો કે કિવ પ્રદેશના ફાસ્ટિવ શહેરમાં એક રેલ્વે સ્ટેશન ડ્રોન હુમલાથી સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું.
જ્યારે રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ રાત્રે રશિયન પ્રદેશ પર ફરતા 116 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા. અહેવાલ મુજબ યુક્રેને રશિયાની રાયઝાન ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો. તેમજ રિફાઇનરીમાં આગ અને ધુમાડા દર્શાવતો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે.



