શાંતિ વાર્તા પૂર્વે રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો: પાવર ગ્રીડ અને થર્મલ પ્લાન્ટ્સ પર કર્યો હુમલો

સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં બુધવારથી રશિયા અને યુક્રેન વચ્ચે મહત્વની શાંતિ વાર્તા શરૂ થવાની છે, પરંતુ તે પહેલા રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક મિસાઈલ અને ડ્રોન હુમલો કરીને શાંતિની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. રશિયાએ મંગળવારે રાત્રે યુક્રેનના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને સેંકડો ડ્રોન અને 32 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. આ હુમલાને નાટો (NATO) ના વડા માર્ક રુટ્ટેએ શાંતિ વાર્તા પૂર્વે રશિયાનો એક ‘ખરાબ સંકેત’ ગણાવ્યો છે.
રશિયાએ આ વખતે વ્યૂહાત્મક રીતે યુક્રેનના પાવર ગ્રીડ અને થર્મલ પ્લાન્ટ્સ પર હુમલો કર્યો છે. જ્યારે કિવમાં તાપમાન માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું ગયું હતું, ત્યારે જ અંદાજે 1,170 રહેણાંક ઇમારતોની હીટિંગ સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી. હુમલામાં આશરે 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. યુક્રેનનો આરોપ છે કે રશિયા કડકડતી ઠંડીનો ફાયદો ઉઠાવીને સામાન્ય જનતાને ડરાવવા અને તેમને પાણી તથા હીટિંગ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત રાખવા માંગે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ એવો દાવો કર્યો હતો કે તેમના વ્યક્તિગત અનુરોધ પર રશિયન પ્રમુખ પુતિન 1 ફેબ્રુઆરી સુધી હુમલા રોકવાનું વચન પાળશે. જોકે, આ તાજેતરના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ ટ્રમ્પના દાવાને ફગાવી દેતા પુતિન પર વચનભંગનો આરોપ લગાવ્યો છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું કે રશિયાએ ચર્ચાની વિરુદ્ધ જઈને આ હુમલા કર્યા છે અને તેની ગંભીર અસરો થશે. બીજી તરફ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે તેઓ ઈચ્છતા હતા કે પુતિન આ વિરામ લંબાવે, પરંતુ રશિયાએ આક્રમણ ચાલુ રાખ્યું છે.
દુર્ઘટના વચ્ચે નાટોના વડા માર્ક રુટ્ટેએ કિવની મુલાકાત લઈને યુક્રેનને પૂરતું સમર્થન આપવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે નાટો સભ્ય દેશો યુક્રેનની હવાઈ સુરક્ષા માટે 90 ટકા મિસાઈલો પૂરી પાડી રહ્યા છે. અબુ ધાબીમાં થનારી વાતચીતમાં રશિયન કબજા હેઠળની જમીન કોની પાસે રહેશે તે મુખ્ય મુદ્દો છે. ઝેલેન્સ્કીએ ભારપૂર્વક કહ્યું છે કે યુક્રેન વાતચીત માટે તૈયાર છે, પરંતુ તે રશિયા સામે આત્મસમર્પણ (Surrender) નહીં કરે. આ હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને શાંતિની શક્યતાઓ પર પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે.



