પ્રતિબંધનો માર ઝેલી રહેલા પુતિનની થઇ ગઇ બલ્લે બલ્લે, રશિયાને મળ્યો સોનાનો ખજાનો

મોસ્કોઃ પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાને તેના દૂર પૂર્વીય ક્ષેત્રમાં સોનાની એક મોટી ખાણ મળી છે. રશિયાએ પોતે આ સૌથી મોટી સોનાની ખાણની શોધની જાહેરાત કરી છે અને દાવો કર્યો છે કે આ ખાણમાં 100 ટનથી વધુ સોનાનો ભંડાર છે.
1991માં સોવિયત સંઘના થયેલા પતન પછી રશિયામાં સોનાની આ સૌથી મોટી શોધ છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે આને સૌથી મોટા રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. રશિયાની આર્થિત વ્યવસ્થા હાલમાં કથળેલી છે. યુક્રેન સાથેના યુદ્ધને આવતા મહિને બે વર્ષ પૂરા થશે, પણ આ યુદ્ધ પૂરું થવાનું નામ નથી. આ યુદ્ધને કારણે રશિયાને ઘણુ મોટું આર્થિક નુક્સાન સહન કરવું પડ્યું છે. રશિયા પાછલા બે વર્ષથી પશ્ચિમી દેશોના સેંકડો પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે, જેમાં તે દેશોમાં સ્થિત રશિયન સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, આ સોનાની ખાણની શોધ રશિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
રશિયન સરકારી કંપની રોસોટોમના માઇનિંગ વિભાગ દ્વારા સોનાની ખાણ મળી આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રશિયામાં સોનાનું ઉત્પાદન 2030માં તેની ટોચે પહોંચી શકે છે.