રશિયામાં પ્રચંડ ભૂકંપ: ત્સુનામીના મોજા અલાસ્કા અને હવાઈ ટાપુ પહોંચ્યા, ભારે તારાજી સર્જાઈ શકે છે...

રશિયામાં પ્રચંડ ભૂકંપ: ત્સુનામીના મોજા અલાસ્કા અને હવાઈ ટાપુ પહોંચ્યા, ભારે તારાજી સર્જાઈ શકે છે…

વોશીંગ્ટન: બુધવારે વહેલી સવારે રશિયાના પૂર્વ છેડાના કામચટકા વિસ્તારમાં 8.7 તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપ વિશ્વના ઈતિહાસના સૌથી શક્તિશાળી ભૂકંપોની યાદીમાં સ્થાન પામ્યો છે. આ ભૂકંપને કારણે ઉત્તરીય પેસિફિક સમુદ્રમાં ત્સુનામીના મોજા (Tsunami in Russia, Japan and US) ઉઠ્યા છે.

જે રશિયાના અને જાપાનના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા છે. ત્સુનામીના મોજા યુએસના અલાસ્કા અને હવાઈ તરફ આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયાના દરિયાકાંઠે ત્સુનામીની અસર થઇ શકે છે.

અહેવાલ મુજબ અલાસ્કાના પશ્ચિમી અલેઉશિયન ટાપુઓ, કોડિયાક અને દક્ષિણપૂર્વ અલાસ્કામાં ત્સુનામીના પ્રાથમિક મોજા પહોંચી ગયા છે. પેસિફિક ત્સુનામી વોર્નિંગ સેન્ટર(PTWC) એ પુષ્ટિ કરી છે કે ત્સુનામીના મોજા દરિયાકાંઠાના વિસ્તારને અસર કરવાનું શરૂ કરી દીધું છે. હવાઈમાં હાલમાં નોંધાયેલ સૌથી ઊંચું મોજું ઓહુના ઉત્તર કિનારા પર 4 ફૂટ (1.2 મીટર) ઊંચું નોંધાયું હતું. મોજા લગભગ 12 મિનિટના અંતરાલે આવી રહ્યા છે. ત્સુનામીના આગામી મોજા 10 ફૂટ જેટલા ઊંચા હોઈ શકે છે.

હવાઈના હોનોલુલુમાં ત્સુનામીનું એલર્ટ માટે સાયરન વાગતા લોકો ઊંચા સ્થળે સ્થળાંતર કરી ગયા છે.
હવાઈ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ નુકસાન થયું નથી, હવાઈ કાઉન્ટીમાં ઇમરજન્સી શેલ્ટર્સ ખોલવામાં આવ્યા છે.

યુએસના આં રાજ્યોમાં પણ અસર થશે:
અમેરિકાના વોશિંગ્ટન અને ઓરેગોન રાજ્યોના દરિયાકાંઠે ત્સુનામી મોજાની સર થઈ શકે છે, અહીં ત્સુનામીના મોજા 2:35am થી 2:55am ET (12:05 pm-12:25 pm IST) ની વચ્ચે પહોંચવાનો અંદાજ છે. ત્સુનામીના મોજા ઉત્તરી કેલિફોર્નિયામાં 2:50am ET (12:20 pm) વાગ્યે, સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં 3:40 ETam (1:10 pm) ની આસપાસ અને દક્ષિણ કેલિફોર્નિયાના દરિયાકાંઠા પર સવારે 4am ET (1:30 pm) ની આસપાસ પહોંચવાની ધારણા છે.

ભૂકંપના કેન્દ્ર કામચાટકા દ્વીપકલ્પ નજીકના રશિયન વિસ્તારોમાં તારાજીના અહેવાલો છે, પરંતુ લોકોનું સમયસર સ્થળાંતર થઇ જતા કોઈ જાનમાલના નુકશાનના અહેવાલ નથી. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યા મુજબ કે દેશના મુખ્ય ટાપુઓના ઉત્તરીય ભાગમાં આવેલા હોક્કાઇડોનાના ટોકાચીમાં 40 સેન્ટિમીટર (1.3 ફૂટ) ની ત્સુનામી જોવા મળી હતી.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button