રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ! યુક્રેનની ચિંતા વધી

મોસ્કો: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પોણા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને રશિયન રાષ્ટ્રપતિ પુતિને મુકેલી શરતો સ્વીકારવા દબાણ કર્યું હતું. ટ્રમ્પ હંગેરીમાં પુતિન સાથે મુલાકત પણ કરવાના છે, એવામાં રશિયાએ તેના સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ફોર્સનો લશ્કરી અભ્યાસ હાથ ધરીને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે.
આજે બુધવારે રશિયન રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કમાન્ડર વ્લાદિમીર પુતિનના નિરીક્ષણ હેઠળ રશિયાના ન્યુક્લિયર ફોર્સે જમીન, સમુદ્ર અને હવાના ત્રણેય માર્ગે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ(ICBM) અને ક્રુઝ મિસાઇલોના પરીક્ષણો હાથ ધર્યા હતાં.
આ પણ વાંચો: યુરોપિયન દેશોને રશિયાના ‘હાઈબ્રીડ યુદ્ધ’નો ડર, જાણો કેવી રીતે થાય છે આ યુદ્ધ
આ માટે હાથ ધરવામાં આવી કવાયત:
અહેવાલો અનુસાર, કોઈ પણ સમયે લોન્ચિંગ માટેની તૈયારી ચકાસવા અને કમાન્ડ સ્ટ્રક્ચરનું રિહર્સલ કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. રશિયન આર્મી ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ વેલેરી ગેરાસિમોવે રાષ્ટ્રપતિ પુતિનને સમક્ષ કવાયતની વિગતો રજુ કરી હતી.
આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ: ટ્રમ્પ-પુતિનની બુડાપેસ્ટ બેઠક મુલતવી, શાંતિ પ્રયાસોને મોટો ફટકો…
આ મિસાઈલોનું પરીક્ષણ:
આ કવાયતમાં કોસ્મોડ્રોમથી લેન્ડ-બેઝ્ડ “યાર્સ” ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું લોન્ચિંગ કરવામાં આવ્યું, બેરેન્ટ્સ સમુદ્રમાં ન્યુક્લિયર સબમરીનથી “સિનેવા” બેલિસ્ટિક મિસાઇલનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને સ્ટ્રેટેજિક બોમ્બર વિમાનથી ન્યુક્લિયર-કેપેબલ ક્રુઝ મિસાઇલોનું લોન્ચ કરવામાં આવી.
નાટોને જવાદ:
નોંધનીય છે કે નાટોના સભ્ય દેશોએ આ મહિનાની શરૂઆતમાં વાર્ષિક પરમાણુ કવાયત હાથ ધરી હતી. બેલ્જિયમ અને નેધરલેન્ડ્સની યજમાની હેઠળની સ્ટેડફાસ્ટ નૂન કવાયતમાં 13 દેશોના લગભગ 60 વિમાનોએ ભાગ લીધો હતો.
જેના જવાબમાં રશિયાએ પણ પરમાણુ કવાયત હાથ ધરીને પશ્ચિમી દેશોને પડકાર ફેંક્યો છે. નોંધનીય છે કે રશિયા પાસે વિશ્વના સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે.
આ કવાયતથી યુક્રેનની ચિંતા વધી છે, ટ્રમ્પે પણ ઝેલેન્સકીને કહ્યું હતું કે પુતિન ઈચ્છે તો એક ઝાટકે યુક્રેનને બરબાદ કરી શકે છે.