
મોસ્કો, રશિયાઃ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ (Israel Iran War) ચાલી રહ્યું છે. બન્ને દેશો છેલ્લા 48 કલાકથી એકબીજા દેશ પર બદલાની ભાવના સાથે મિસાઈલ હુમલો કરી રહ્યાં છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald trump) મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ અંગે ફોન પર વાત કરી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બન્ને રાષ્ટ્રપતિ વચ્ચે 50 મિનિટ સુધી વાત કરી હતી. આ વાતચિંત દરમિયાન ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય પૂર્વ પર જે અસરો થવાની છે, તેની ચર્ચા કરી હતી.
રશિયાના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે શું ચર્ચા થઈ?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઇઝરાયલ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખો સાથે જે વાત કરી હતી તેની વિગતોની ડોનાલ્ડ ટ્રમ્પને સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન પુતિને ઇરાન પર કરવામાં આવેલા ઇઝરાયેલી હુમલાની નિંદા કરી અને આ યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આખા મધ્ય-પૂર્વને મોટી અસર થવાની છે.
રશિયાએ ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને રોકવા પ્રયત્નો શરૂ કર્યા
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધને વધતું અટકાવવાના મહત્વ અને આ યુદ્ધને રોકવા માટે શક્ય મધ્યસ્થી પ્રયાસોમાં જોડાવાની રશિયાની તૈયારી પર ભાર મૂક્યો છે, એટલું જ નહીં પરંતુ આ યુદ્ધને રોકવા માટે શક્ય મધ્યસ્થી માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પે વર્તમાન પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી અને કહ્યું કે, ઈરાને વાટાઘાટો માટે પાછા ફરવું પડશે. યુએસ વાટાઘાટકારોની ટીમ આ વાતચીત માટે તૈયાર છે અને તેઓ ઈરાનના પ્રતિનિધિઓ સાથે વાત કરવા માંગે છે. મહત્વની વાત એ છે કે, યુક્રેન સાથે યુદ્ધમાં વ્યસ્ત રહેતું રશિયા હવે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધમાં શાંતિદૂત બનાવા માંગે છે.
આ પણ વાંચો - ઇઝરાયેલ ઇરાન પર વધુ ભિષણ હુમલા કરશે; સેના પ્રમુખે આપી ચેતવણી
છેલ્લા 48 કલાકમાં કુલ 130 લોકોના મોત થયાં
હુમલાની વાત કરવામાં આવે તો, ઇઝરાયલ અને ઈરાન એકબીજા પર છેલ્લા 48 કલાકથી હુમલો કરી રહ્યાં છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે, ઈરાને ઇઝરાયલ પર રાતોરાત 80 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી, જેમાંથી 40 જેટલી મિસાઇલો ઉત્તર ઇઝરાયલમાં છોડવામાં આવી. ઈરાનના હુમલામાં અત્યાર સુધીમાં 200 લોકો ઘાયલ થયા છે, જ્યારે 10નું મોત થયું છે. ઇરાનની વાત કરવામાં આવે તો ઇઝરાયલે કરેલા હુમલામાં ઈરાનના છ ટોચના લશ્કરી જનરલોના મોત થયા હોવાના અહેવાલ મળ્યાં છે. છેલ્લા 48 કલાકમાં બન્ને દેશમાં 300થી વધારે લોકો ઘાયલ થયા છે જ્યારે 130 લોકોના મોત થયાં છે. જેમાં નવ જેટલા ન્યૂક્લિયર વૈજ્ઞાનિક અને ઈરાની કમાન્ડરો પણ સામેલ છે.