રશિયાએ 19,556 બાળકનું કર્યું અપહરણઃ 'સુરક્ષિત' રીતે પરત કરવાનો મુદ્દો ગાજ્યો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

રશિયાએ 19,556 બાળકનું કર્યું અપહરણઃ ‘સુરક્ષિત’ રીતે પરત કરવાનો મુદ્દો ગાજ્યો

લંડન: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી લાંબા સંઘર્ષોમાંનો એક માનવામાં આવે છે. સંઘર્ષનો અંત નજીકમાં હોવાનું જણાઈ રહ્યું છે અને મુદ્દે રશિયન રાષ્ટ્રપતિએ અમુક શરતો સાથે યુક્રેન સામે યુદ્ધ રોકવા માટે તૈયારી દાખવી હોવાનો વિદેશી મીડિયાના અહેવાલમાં દાવો કર્યો છે. તેમ છતાં આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તો અબજો ડોલરની સંપત્તિની જાનહાનિ પણ થઈ છે. જોકે હવે આ સંઘર્ષ દરમિયાન રશિયા પર એક ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે જેને ચોંકાવી દીધા છે, જેમાં રશિયન આર્મીએ અપહરણ કરેલા બાળકોને સુરક્ષિત રીતે પરત કરવાની માગણી ઊભી થઈ છે.

આ પણ વાંચો: યુક્રેન-રશિયાનું યુદ્ધ પૂરું કરવાની ચર્ચા ચાલતી હતી અને ટ્રમ્પ અને ઝેલેન્સ્કી પોતે જ બાખડી પડ્યા

19,556 બાળકોની ‘સલામત વાપસી’નો મુદ્દો

બ્રિટનમાં લેબર પાર્ટીના એક સાંસદે વડા પ્રધાન કીર સ્ટારમરની સરકારને સવાલ કર્યો કે શું રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ વાતચીત દરમિયાન રશિયન સૈનિકો દ્વારા કથિત રીતે અપહરણ કરાયેલા 19,556 બાળકોની ‘સલામત વાપસી’ની પણ ચર્ચા થઈ રહી છે. યુક્રેનિયન બાળકોના અપહરણના આ મામલાને હવે ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. બ્રિટિશ સાંસદે એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી આ બાળકોને સુરક્ષિત રીતે પાછા ન લાવવામાં આવે ત્યાં સુધી શાંતિ મંત્રણાનો કોઈ અર્થ નથી.

“આ મુદ્દા વિના સમાધાન નહિ”

બ્રિટનનાં હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા દરમિયાન લેબર પાર્ટીના સાંસદ જોહાના બેક્સટરે વડા પ્રધાન કીર સ્ટારમરને પૂછ્યું કે શું તેઓ સહમત છે કે રશિયન સૈનિકો દ્વારા અપહરણ કરાયેલા 19,556 બાળકોની સલામત વાપસી યુક્રેનમાં કાયમી શાંતિ સ્થાપિત કરવા માટે જરૂરી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે બાળકોનું અપહરણ અત્યંત નિંદનીય છે અને તેનો રોષ સંપૂર્ણપણે યોગ્ય છે. તેમણે ખાતરી આપી કે આ બાળકોના સુરક્ષિત પરત ફર્યા વિના શાંતિથી વાટાઘાટો આગળ વધી શકશે નહીં.

19,500 બાળકનાં અપહરણનો દાવો

ઉલ્લેખનીય છે કે યુક્રેન સરકારનું કહેવું છે કે 2022માં યુદ્ધની શરૂઆત થઈ તે સમયથી લગભગ 19,500 બાળકને યુક્રેનથી રશિયા લઈ જવામાં આવ્યા છે, જેમાંથી ફક્ત 388 બાળકો જ ઘરે પાછા ફર્યા છે. અહેવાલો અનુસાર, તે પૈકીનાં લગભગ 599 બાળકો મૃત્યુ પામ્યા છે, આ બાળકોની ઉંમર ત્રણથી 10 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. જોકે રશિયાએ હજુ સુધી આ આરોપો મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

Back to top button