યુએસ ટેરિફ વોરથી વોલ સ્ટ્રીટ કકડભૂસ, ભારતીય શેરબજારમા પણ જોવા મળશે આ વલણ…

મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શરૂ કરેલા ટેરિફ વોરથી અમેરિકા સહિત વિશ્વના તમામ શેરબજારોમાં અફડાતફડીનો માહોલ ઉભો કરી દીધો છે. જેમાં એશિયન અને ભારતીય શેરબજાર યુએસ ટેરિફના દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે. અમેરિકાના ટેરિફ વોરની સામે ચીને પણ યુએસ પ્રોડક્ટ પર 34 ટકા ટેરિફ લગાવ્યો છે. જેના પગલે વિશ્વના શેરબજારોમાં અનિશ્ચિચતાનો માહોલ ઉભો થયો છે. જેનું દબાણ અમેરિકન વોલ સ્ટ્રીટ પણ જોવા મળી રહ્યું છે. અમેરિકન અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે. જોકે, આજે યુએસ ટેરિફનું દબાણ ભારતીય શેરબજાર પર પણ વ્યાપક અસર પડી શકે છે.
ભારતીય શેરબજાર દબાણ હેઠળ
અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધને કારણે ભારતીય બજાર દબાણ હેઠળ છે. જેમાં શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 930.67 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 75,364.69 પર બંધ થયો. ત્યારે નિષ્ણાતો માને છે કે નિફ્ટી હવે બધા મૂવિંગ સપોર્ટથી નીચે સરકી ગયો છે. વધુ સપોર્ટ 22,600 પર છે. જો આ પણ તૂટે તો નિફ્ટી 22,100 સુધી જઈ શકે છે. જ્યારે બેંક નિફ્ટીએ બાકીના બજાર કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. 50,700 એ તેનો પ્રથમ સપોર્ટ છે અને જો તે 52,800 થી ઉપર જાય તો બજાર વધી શકે છે.
માર્કેટ કેપમાં 5 ટ્રિલિયન ડોલરથી વધુનો ઘટાડો
ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી ત્યારથી, યુરોપ, એશિયા તેમજ અમેરિકાના બજારોના સૂચકાંકોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો કોવિડ પછીનો સૌથી મોટો ઘટાડો છે. જ્યારે ચીને ગયા શુક્રવારે અમેરિકન ટેરિફના જવાબમાં અમેરિકા પર ટેરિફ લગાવ્યો ત્યારે વોલ સ્ટ્રીટમા કડાકો થયો અને માર્કેટ કેપમાં 5 ટ્રિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો છે. ચીની ટેરિફ પછી અમેરિકન બજાર ઇન્ડેક્સ ડાઉ જોન્સ 2,200 પોઈન્ટથી વધુ ઘટ્યો છે. નાસ્ડેક કમ્પોઝિટ પણ 900 પોઈન્ટથી વધુ ઘટ્યો. ટ્રેડિંગ દિવસ પછી S&P 500 પણ 5.97 ટકા ઘટીને બંધ થયો. આ સાથે અમેરિકન અબજોપતિઓની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે.
આ પણ વાંચો:ટ્રમ્પનો ટેરિફ પ્લાન અમેરિકાને ભારે પડશે! અમેરિકનોએ ખરીદી માટે માર્કેટ માથે લીધું!
ઇલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં ઘટાડો
વૈશ્વિક તણાવ વચ્ચે વિશ્વના સૌથી ધનિક લોકો પણ નુકસાનનો સામનો કરી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, ઇલોન મસ્ક સહિત વિશ્વના ટોચના અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે. એક્સ-ફાઇલ્સના માલિક એલોન મસ્કની સંપત્તિમાં 19.9 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં 9.44 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જેફ બેઝોસની સંપત્તિમાં 7.59 બિલિયન ડોલર અને બિલ ગેટ્સની સંપત્તિમાં 6.45 બિલિયન ડોલરનો ફેરફાર થયો છે.