
વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના પત્ની રોઝલિન કાર્ટરનું નિધન થયું છે. રોઝલિન કાર્ટરનું રવિવારે તેમના ઘરે 96 વર્ષની વયે અવસાન થયું હતું. કાર્ટર માનસિક સ્વાસ્થ્ય સુધારક અને લોકસેવા માટે સમર્પિત હતા. અમેરિકી સરકારે એક નિવેદન જારી કરીને તેમના મૃત્યુ અંગે માહિતી આપી હતી.
પોતાની પત્નીના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપતા પૂર્વ રાષ્ટ્રપતિ અને રોઝલિનના પતિ જિમી કાર્ટરે જણાવ્યું હતું કે તેમણે આજ સુધી જે પણ હાંસલ કર્યું છે, તે બધું રોઝલિનને કારણે જ થઇ શક્યું છે. જ્યારે પણ તેઓ નિરાશ થતા ત્યારે રોઝલિન તેમને પ્રેરણા આપતી. ‘તે મારી શ્રેષ્ઠ સલાહકાર હતી. જ્યાં સુધી રોઝેલીન આ દુનિયામાં હતી ત્યાં સુધી મને હંમેશા લાગ્યું કે હા કોઈ એવી વ્યક્તિ છે જે મને પ્રેમ કરે છે અને હંમેશા કરશે. રોઝલિન હંમેશા મને સપોર્ટ કરતી હતી,’ એમ જિમી કાર્ટરે જણાવ્યું હતું.
ગયા વર્ષે મે મહિનામાં ખબર પડી હતી કે રોઝલિન ડિમેન્શિયા નામની બીમારીથી પીડિત છે. ત્યાર બાદ તેમના ઘરમાં જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જિમીના કાર્યકાળ દરમિયાન ઈઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા, જે તે સમયે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતું હતું. આ સફળતા માટે વૈશ્વિક મંચ પર તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. રોઝલીન હંમેશા તેમના પતિની પડખે ઊભા રહેતા હતા.
કાર્ટર દંપતીએ વિશ્વ શાંતિ અને માનવ અધિકારો માટે કામ કરવા માટે કાર્ટર સેન્ટર નામની સંસ્થાની સ્થાપના કરી હતી. રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમણે ક્યુબા, સુદાન અને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી.જીમી કાર્ટરને 2002માં શાંતિ માટે નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. 1999માં, તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને કાર્ટર દંપતીને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કર્યા હતા.