રોબર્ટ કિયોસાકીની રોકાણકારોને સલાહ; જોખમ વધી રહ્યું છે, આ તરફ રોકાણ કરો
છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘણા દેશોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની પણ આવી જ હાલત છે, ચીન તેનું ઉદાહરણ છે. એવામાં રોકાણકારો મુંજવણમાં છે કે શું કરવું, કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ. પ્રખ્યાત પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ ટી. કિયોસાકી (Robert T Kiyosaki)એ નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં, વધતા આર્થીક જોખમ વિશે ચેતવણી આપી છે, તેમણે ફરી એકવાર સોના, ચાંદી અને બિટકોઈનને ખરાબ સમયમાં સહારો ગણાવ્યો છે.
પ્રખ્યાત લેખક રોબર્ટ ટી. કિયોસાકી સોશિયલ મીડિયા દ્વારા અવારનવાર લોકોને રોકાણ માટે સલાહ આપતા રહે છે અને મોટે ભાગે તેમની સલાહ સોના અને ચાંદીમાં રોકાણ કરવાની હોય છે. ફરી એકવાર, તેના સત્તાવાર X એકાઉન્ટ પર એક પોસ્ટમાં, તેણે લોકોને સોના-ચાંદીમાં રોકાણ કરવા કહ્યું છે. તેણે પોતાની તાજેતરની પોસ્ટમાં લખ્યું છે કે, ‘મૂડી બજારોમાં ગભરાટ દેખાવા લાગ્યો છે. આનો અર્થ એ છે કે શેર, બોન્ડ અથવા રિયલ એસ્ટેટ બજારો ક્યારે તૂટી રહ્યા છે તે દરેકને ખબર છે.’
તેણે પોસ્ટમાં બેંકો વિશે પણ લખ્યું, રોબર્ટ કિયોસાકીના જણાવ્યા અનુસાર, ‘બેંકોમાં પેનિક અદ્રશ્ય સ્થિતિમાં થાય છે. મતલબ કે મોટાભાગના લોકોને ખબર પણ નથી હોતી કે બેંક ક્યારે નાદાર થઈ ગઈ છે. આ માટે, અમેરિકામાં FDIC વીમો છે, જે ખાતરી કરે છે કે જો તમારી બેંક નાદાર થઈ જાય, તો તમારી $250,000 સુધીની બચત સુરક્ષિત છે. તેણે કહ્યું કે આ બધા વચ્ચે શા માટે જોખમ લેવું?’
રોબર્ટ ટી. કિયોસાકીએ બેંકોને મૂડી બજાર વિશે ચેતવણી આપતાં વધુમાં કહ્યું કે શા માટે જોખમ લેવું? તમારી મોટાભાગની બચત બેંકિંગ સિસ્ટમમાંથી કાઢીને સોના, ચાંદી અને બિટકોઈનમાં રોકાણ કરો. કિયોસાકીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે શા માટે નાદાર ચલણ પ્રણાલીનો શિકાર બનશો? હવે સ્માર્ટ બનો અને તમારા કેટલાક પૈસા રિયલ મની… ગોલ્ડ, સિલ્વર અને બિટકોઈનમાં રાખો અને તમારી સંભાળ રાખો.
રોબર્ટ ટી. કિયોસાકીએ અગાઉ પણ લોકોને ગોલ્ડ-સિલ્વર અને બિટકોઈનમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેઓ અગાઉ પણ ઘણી વખત રોકાણની ટીપ્સ શેર કરી ચુક્યા છે. કિયોસાકી ખાસ કરીને ચાંદીમાં રોકાણ કરવાની સલાહ આપી છે. ગયા વર્ષે તેમના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર નજર કરીએ તો પ્રખ્યાત લેખકે લોકોને ચાંદીમાં રોકાણ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો તમે ગરીબમાંથી અમીર બનવાના સપના જોતા હોવ તો તક આવી ગઈ છે. ગરીબો ચાંદી દ્વારા ધનવાન બનવાનું સપનું પૂરું થઈ શકે છે.