ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો ટેરીફ બન્યું ‘બૂમરેંગ’? યુએસમાં એક પછી એક કંપનીઓ નાદાર થઇ, હજારો નોકરીઓ ગાયબ

વોશિંગ્ટન ડી સી: આ વર્ષે જાન્યુઆરીમાં બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિ આક્રમક રીતે અમલમાં મૂકી રહ્યા છે, ખાસ કરીને ટ્રમ્પ ટેરીફ મામલે સૌથી સક્રિય રહ્યા છે. તેઓ સતત દાવો કરી રહ્યા છે કે અમેરિકાના અર્થતંત્રને મજબુત કરવા અને અમેરિકનોને નોકરી અપાવવા માટે આ પગલા ભરી રહ્યા છે. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે, ટ્રમ્પના આ દાવ ઉલટા પડી રહ્યા છે, યુએસમાં કંપનીઓ એક પછી એક નાદારી નોંધાવી રહી છે.

યુએસના એક પ્રમુખ અખાબરનાં જણાવ્યા મુજબ આ વર્ષે યુએસમાં કોર્પોરેટ બેન્કરપ્સી 15 વર્ષની ટોચ પર પહોંચી ગઈ છે. S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના આંકડાનું વિશ્લેષણ કરીને અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર મહિનાના અંત સુધીમાં 717 કંપનીઓએ ચેપ્ટર 7 અથવા ચેપ્ટર 11 હેઠળ નાદારી માટે અરજી કરી હતી. વર્ષ 2024માં આ સમયગાળામાં નોંધાયેલી કોર્પોરેટ બેન્કરપ્સી કરતા આ આંકડો 14% વધુ છે.

વર્ષ 2010 બાદ યુએસમાં સૌથી વધુ સંખ્યામાં કોર્પોરેટ બેન્કરપ્સી નોંધાઈ છે. એક અહેવાલ મુજબ નવેમ્બરનાં અંત સુધીમાં આ વર્ષે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 70,000 થી વધુ નોકરીઓ ઓછી થઇ થઇ છે.

મોટી કંપનીઓ પર અસર:
અન્ય એક અહેવાલ મુજબ આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં 1 બિલિયન યુસ ડોલર (રૂ. 8,980 કરોડ) થી વધુનું કેપિટલ ધરાવતી 17 કંપનીઓએ નાદારી નોંધાવી હતી. 2020 માં કોવિડ-19 પાનડેમીક બાદ કોઈ પણ છ માસિક ગાળામાં નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે.

કંપનીઓ પર વધારાનો બોજ:
જાણકારોના મત મુજબ જે કંપનીઓએ બેન્કરપ્સી નોંધાવી છે તેમની મોટા ભાગની કંપનીઓ આયાત પર વધુ નિર્ભર હતી. ટેરિફથીને કારણે આયાત મોંઘી બની રહી છે, પરંતુ નવેમ્બરમાં વાર્ષિક ફુગાવો અપેક્ષા કરતા ઓછો નોંધાયો. ગ્રાહકો પર બોજ ન પડે એ માટે ઘણી કંપનીઓ કિંમતો વાધરી રહી નથી અને વધારાના ખર્ચ ઉઠાવી રહી છે.

યુએસમાં મહા મંદીનું જોખમ:
જાણકારોના મત મુજબ અમેરિકન કંપનીઓ ટેરિફની અસર ગ્રાહકો પર ના પડે એવો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેની પણ મર્યાદા છે. કંપનીઓ ટૂંક સમયમાં કિંમતો વધારશે અને ગ્રાહકો પર વધારાનો બોજ પડશે, જેને કારણે માંગમાં ઘટાડો થઇ શકે છે.

આપણ વાંચો:  પાકિસ્તાનની નાપાક હરકત, પીઓકેમાં ફરી એક્ટિવ થયા આતંકી કેમ્પો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button