નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
કાઠમંડુ: નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 170 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 42 લોકો લાપતા છે.
મુશળધાર વરસાદ બાદ કાઠમંડુની મુખ્ય નદી બાગમતી શુક્રવાર અને શનિવારે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે ત્રણ દિવસ માટે તમામ શાળા-કોલેજો બંધ કરી દીધી છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યા અનુસાર, દેશમાં પૂર સંબંધિત ઘટનાઓમાં 111 લોકો ઘાયલ થયા છે. પોખરેલે કહ્યું કે તમામ સુરક્ષા એજન્સીઓ રહાત કાર્ય તથા શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું કે નેપાળી સેનાએ દેશભરમાં ફસાયેલા 162 લોકોને એરલિફ્ટ કર્યા છે. આ ઉપરાંત નેપાળી આર્મી, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 4,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોને અનાજ સહિત તમામ જરૂરી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.
અધિકારી એ જણાવ્યું કે ભૂસ્ખલન અને પાણી ભરાવાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ખોરવાઈ ગયા છે. જેના કારણે અહીં સેંકડો લોકો ફસાયેલા છે. અવરોધિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો ખોલવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કાઠમંડુને અન્ય જિલ્લાઓ સાથે જોડતો મુખ્ય જમીન માર્ગ ત્રિભુવન હાઈવે પર ટ્રાફિક ફરી શરૂ થઈ ગયો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂરને કારણે નેપાળમાં 322 મકાનો અને 16 પુલને નુકસાન થયું છે. કાઠમંડુની સરહદે આવેલા ધાડિંગ જિલ્લામાં શનિવારે ભૂસ્ખલનમાં બસ દટાઈ જતાં 19 લોકોનાં મોત થયાં હતાં, અધિકારીઓએ જણાવ્યું હતું.
Also Read –