પાકિસ્તાનમાં વરસાદનો હાહાકાર: 39ના મોત, બલૂચિસ્તાનમાં કટોકટી

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે અને અનેક સ્થળે રસ્તા ધોવાઈ ગયા છે. આટલું જ નહીં, સ્થિતિ એટલી ગંભીર છે કે સરકારે બલૂચિસ્તાનમાં કટોકટી જાહેર કરી નાખી છે.
આ વરસાદને પગલે દેશમાં અત્યાર સુધીમાં અલગ અલગ ઘટનામાં 39 લોકોનાં મોત થયાં છે. આમાંથી 12 લોકોનાં મૃત્યુ ફક્ત રવિવારે ખૈબર પખ્તુનખ્વામાં થયા હતા. આ ઉપરાંત પંજાબમાં ચાર અને બલૂચિસ્તાનમાં બે લોકોનાં મોત થયા છે. બલૂચિસ્તાનના મકરાનમાં રવિવારે પણ ભારે વરસાદ થયો હતો અને અનેક સ્થળે વીજળી પણ પડી હતી. આ બનાવમાં પણ બે લોકોનાં મોત થયા હતા.
આ બધાની સાથે બલૂચિસ્તાનમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. બલૂચિસ્તાન સરકારે અર્બન ફ્લડ ઈમરજન્સી જાહેર કરી છે. મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતીએ સ્થિતિની સમીક્ષા કરી હતી.
વરસાદને કારણે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની પણ હાલત કફોડી થઈ છે અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ સ્થિતિનો સામનો કરવા માટે બેઠક બોલાવી છે. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે રક્ષક દળને લોકોનો બચાવ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વરસાદનો હાહાકાર અફઘાનિસ્તાનમાં પણ જોવા મળ્યો છે. વરસાદ સંબંધી ઘટનાઓમાં 33 લોકોનાં મોત અને 27 લોકો જખમી હોવાનું જાણવા મળ્યું છે. અફઘાનિસ્તાનમાં લઘભગ 600 મકાન તૂટી પડ્યા છે અને 200 જનાવરો માર્યા ગયા છે. આ પૂરને કારણે મોટા પ્રમાણમાં ખેતી યોગ્ય જમીનને નુકસાન થયું છે અને રસ્તા પણ ધોવાઈ ગયા છે. (એજન્સી)