પાકિસ્તાનમાં વાવાઝોડા અને વરસાદથી તબાહી: 20 જણનાં મોત, અંધારપટ

લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે સાંજે આવેલા ભયાનક વાવાઝોડા અને ભારે વરસાદના કારણે 20 લોકોના મોત થયા છે. જેમાં લગભગ 150 લોકો ઘાયલ પણ થયા હતા. વાવાઝોડાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રોડ અને હવાઈ ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.
વાવાઝોડાએ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ ઘણા વિસ્તારોમાં વીજળી પણ ખોરવાઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ જર્જરિત મકાનો અને હોડિંગ્સ ધરાશાયી થવાના કારણે થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
આપણ વાંચો: દિલ્હી-NCRમાં રેડ એલર્ટ: ભારે વરસાદ, વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત, પાણીમાં ગરકાવ થયા વાહનો
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વામાં પણ ભારે પવન અને કરાની અસર જોવા મળી હતી. પાક અને વીજ લાઇનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. જોકે, અહીંથી કોઈના મોતના સમાચાર નહોતા.
ભારે વરસાદ સાથે આવેલા વાવાઝોડાને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણી જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા હતા. કરાચીથી લાહોર જતી ખાનગી એરલાઇનની ફ્લાઇટ એફએલ-842ને ભયાનક ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો હતો. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પંજાબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, લાહોર અને ઝેલમમાં 3-3 લોકોના મોત થયા છે. આ ઉપરાંત સિયાલકોટમાં 2 અને મુઝફ્ફરગઢમાં 2 લોકોના મોત થયા છે. શેખપુરા, નનકાના સાહિબ, અટક, મુલતાન, રાજનપુર, હાફિઝાબાદ, મિયાંવલી, ઝંગ ગુજરાંવાલા અને લેયાહમાં એક-એક મૃત્યુ થયું છે.