ઇન્ટરનેશનલ

નેતાજીના વિશ્વાસુ ખજાનો લઈ ગયા?

પ્રફુલ શાહ

નેતાજી સુભાષચંદ્ર બોઝના મોત અને ઇન્ડિયન નેશનલ આર્મીના ખજાના વિશે ખૂબ ચર્ચા થઇ, વિવાદો થયા અને આરોપ-પ્રતિઆરોપ પણ. તપાસ સમિતિઓ પણ નીમાઇ. છતાં આજ સુધી સંતોષકારક, સર્વસ્વીકાર્ય એવા નિષ્કર્ષ
મળ્યા નથી.

સ્વાભાવિક છે કે નેતાજીના રહસ્યમય મોતનો સંબંધ આઇ.એન.એ.ના ખજાનાના ગાયબ થવા સાથે હોય જ. પત્રકારમાંથી આઝાદ હિન્દ સરકારના પ્રચાર મંત્રી બનેલ એસ. ઐયર નેતાજીના છેલ્લાં દિવસોમાં એમની સાથે હતા. 1945ની 22મી ઑગસ્ટે ઐયર સાયગોનથી ટોકિયો ગયા અને ત્યાં આઇ.એલ.એલ.ના ભૂતપૂર્વ પ્રમુખ એમ. રામમૂર્તિને મળ્યા.

આ બન્નેએ જાપાની આર્મી પાસેથી બે બોકસ મેળવ્યા હતા. તેમણે નેતાજીના અવશેષ ટોકિયોના રાન્કોજી મંદિરમાં મૂકયા હતા, તો ખજાનો મૂર્તિએ પોતાની પાસે રાખ્યો હતો. અલબત્ત, આ માહિતી અનેકના નિવેદન અને દાવાની ઉપજ છે.

આપણ વાંચો: ‘જાપાનથી ભારત લાવવામાં આવે નેતાજીના અવશેષો’, સુભાષ ચંદ્ર બોઝના પૌત્રએ કરી માંગ

આ બધામાં એક નાનકડી પણ મહત્ત્વની નોંધ જાણવી જોઇએ. 1946ની 25મી ઑગસ્ટે સુપ્રીમ એલાઇડ કમાન્ડના સાઉથ એશિયા સ્થિત એક મિલિટરી કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઑફિસર લેફ્ટનન્ટ કર્નલ જોહન ફિગીસે નેતાજીના અવસાન, એમના બે બોકસ કોને અપાયા એ મતલબની નોંધ પોતાના ઉપરી લોર્ડ લુઇસ માઉન્ટબેટનને સુપરત કરી હતી. ફિગીસના દાવા મુજબ ફોર્મોસા (હાલના તાઇવાન)માં થયેલી વિમાન દુર્ઘટનામાં નેતાજી ખરેખર અવસાન પામ્યા હતા.

બીજા વિશ્વ યુદ્ધના અંત બાદ ભારતમાં સ્વાતંત્ર્ય આંદોલન ઉગ્ર બન્યું હતું અને બ્રિટિશરો પણ પીછેહઠ કરવા લાચાર થઇ ગયા હતા. આ સંજોગોમાં નેતાજીના અવસાન અને એમના પક્ષ સરકારના ખજાનાને બહુ મહત્ત્વ મળી શકયું નહોતું.

સત્તાના હસ્તાંતરણના આનંદ, ઉન્માદ, ઉત્તેજના અને ઉતાવળમાં ઘણી મહત્ત્વની બાબતો વિસરાઇ ગઇ એમાં આ બે મુદ્દા ય ખરા, પરંતુ સત્યને કયાં દફનાવી શકાતું હોય છે!

1947માં જ સચ્ચાઇએ બહાર આવવા પ્રયાસ કર્યાં. જાપાનના ટોકિયો સ્થિત ઇન્ડિયન લાયઝન મિશનના પ્રથમ વડા સર બેનેગલ રામરાવે ભારતના વિદેશ મંત્રાલયને એક સ્ફોટક પત્ર લખ્યો હતો. આમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં આરોપ મૂકયો હતો કે આઇ.આઇ.એલ.ના એમ. રામમૂર્તિએ નેતાજીના ભંડોળમાં ઘાલમેલ કરી છે અને તેમના ખજાનાનોય દુરુપયોગ કર્યો છે.

આપણ વાંચો: નેતાજી બોઝને ‘son of the nation’ જાહેર કરવાની માંગ કરતી અરજી SC ફગાવી, આપ્યું આ કારણ

એમના આરોપના મૂળમાં સ્થાનિક એટલે જાપાનના વસતા ભારતીયોની ફરિયાદ હતી. માત્ર પ્રજામાં જ નારાજગી હતી એટલું જ નહીં, જાપાનીઝ મીડિયામાં પણ એનો પડઘો પડયો હતો. એમ. રામમૂર્તિ અને એમના ભાઇ જે. મૂર્તિએ એકદમ સમૃદ્ધ-સભર જીવતા હતા. એ સમયે યુદ્ધથી છિન્નભિન્ન જાપાનમાં તેઓ બે-બે મોંઘી સેડાન કાર વાપરતા હતા, જે એ સમયે દુર્લભ અને મોટી બાબત હતી.

સર બેનેગલ રામરાવને ભારતના વિદેશ મંત્રાલય તરફથી અત્યંત ઉદાસીન અને નિરાશાજનક જવાબ મળ્યો: સૉરી, ઇન્ડિયન નેશનલ આર્મીના ખજાનામાં અમે દિલચસ્પી ન લઇ શકીએ. કદાચ ત્યારે તાત્કાલિક પગલાં ભરાયા હોત અથવા તપાસ કે પૂછપરછ પણ થઈ હોત તો થોડું ઘણું સત્ય બહાર આવ્યું હોત અને ખજાનાનો અંશ પણ પાછો મળી શકયો હોત.

પરંતુ આ પ્રશ્ન, ફરિયાદ કે રજૂઆતના શબ્દો માત્ર કાગળ પર અંતિમ શ્વાસ લેવાના નહોતા. બહુ નામાંકિત રાજદૂત કે. કે. ચેટ્ટુરને જાપાન સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધ બાંધવા માટે મોકલાયા. એ સમય હતો 1951ના મેનો.

આપણ વાંચો: મારું જીવન ખૂબ જ ઘટનાપૂર્ણ ને સાહસપૂર્ણ રહ્યું

અનુભવી વિદ્વાન દૂરંદેશી ધરાવતા, ગજબની કોઠાસૂઝના માલિક અને સ્પષ્ટ-વકતા ચેટ્ટુર એસ.એ. ઐયરને બરાબર ઓળખતા હતા. એક સમયના આ નેતાજીના સાથી હવે ભારતની નવી સવી સરકાર અને વહીવટતંત્રનો ભાગ બની ગયા હતા. તેમને મુંબઇ રાજયના પ્રચાર નિયામકનો હોદ્દો સોંપાયો હતો. નેતાજીના અવસાન (?)ના સાતેક વર્ષ બાદ ઐયર ‘રજા માણવા’ના નામે ટોકિયો ગયા પણ તેઓ ગુપ્ત-ખાનગી એજન્ડા ધરાવતા હોવાનું ચર્ચાયું હતું.

એ સમયે હજી વૉટસઍપ કે ઇ-મેઇલ તો ઘણા પ્રકાશવર્ષ દૂર હતા. કે. કે. ચેટ્ટુર છાશવારે નવી દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયને કેબલ મોકલે, એમાં તેમણે પહેલીવાર શબ્દપ્રયોગ કર્યો: આઇએનએ ટ્રેઝર એટલે કે આઇ.એન.એ.નો ખજાનો. પછી તો આ શબ્દસમૂહ ચલણી થઇ ગયો અને સરકાર પણ એનો ઉપયોગ કરવા લાગી હતી.

આ મામલો આગળ વધતા ખુદ એસ. એ. ઐયરે ચેટ્ટુરને ટોકિયોમાં મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. એ મુજબ ભારત સરકારે ઐયરને બે જવાબદારી સોંપી હતી. એક, રેન્કોજી મંદિરમાં મુકાયેલા અસ્થિ-ખરેખર નેતાજીના જ છે? બે, વિમાન દુર્ઘટનાના સ્થળેથી મળેલા સોનાનાં ઘરેણાં પાછા મેળવી લેવા.

અને આ જવાબદારીનું વહન કેવું, કેટલું થવું? કેવી રીતે થવું? એના કેવા પ્રતિભાવ પડયા? ચેટ્ટુરે વિદેશ મંત્રાલયને મોકલેલો ગુપ્ત અહેવાલ ચોંકાવનારો અને ઘણો સૂચક હતો. એસ.એ.ઐયર અને તેમના સાથીઓ રામમૂર્તિ અને એમના નાનાભાઇ જે. મૂર્તિને પાછા આવેલા જોઇને સ્થાનિક ભારતીયો ક્રોધથી લાલચોળ થઇ ગયા હતા. નેતાજીનો ખજાનો રહસ્યમય ગાયબ થવા પાછળ આ લોકોનો જ હાથ હતો?

નેતાજી સુભાષચંદ્ર બોઝના ખજાના સાથે સંકળાયેલા પાત્રોના હજી તો ઘણા નીતનવા રંગ સામે આવવાના હતા.

(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button