આતંકના ઠેકાણા પર ભારતનો સખત પ્રહાર: પાકિસ્તાને એરબેઝ પર લગાવ્યા વર્ક ઇન પ્રોગ્રેસનાં પાટિયા

ઇસ્લામાબાદ: ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને ત્યારબાદ પાકિસ્તાનનાં (Pakistan) હુમલાનો તરત જ આકરો જવાબ ભારતે (India) આપ્યો હતો. 10 મેના રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપતા ભારતે પાડોશી દેશના ઘણા લશ્કરી એરપોર્ટને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કરેલા પ્રહારને પગલે પાકિસ્તાનનું એક મહત્વપૂર્ણ લશ્કરી મથક, રહીમ યાર ખાન એરબેઝને (Rahim Yar Khan Airbase) એટલું નુકસાન પહોંચ્યું કે એક સપ્તાહ માટે બિન-કાર્યરત જાહેર કરવાની ફરજ પડી છે.
રહીમ યાર ખાન એરબેઝ પર કામગીરી બંધ
પાકિસ્તાને આ અંગે ‘નોટમ’ (NOTAM – નોટિસ ટુ એરમેન) જાહેર કર્યું છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા શનિવારે સાંજે આ નોટિસ બહાર પાડવામાં આવી હતી. આ નોટમ 10 મેના રોજ પાકિસ્તાની સમય અનુસાર સાંજે 4 વાગ્યાથી અમલમાં આવી ગયું છે અને 18 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન રહીમ યાર ખાન એરબેઝ કોઈપણ પ્રકારની ઉડાન કામગીરી માટે ઉપલબ્ધ થશે નહીં.
શા કારણે એરબેઝ કરાયું બંધ?
પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યું કે એર બેઝ બંધ કરવાનું કારણ વર્ક ઇન પ્રોગ્રેસ છે. જો કે પાકિસ્તાને પોતાની ચાલાકી વાપરીને એ વાતનો ફોડ નથી પાડ્યો કે યુદ્ધ જેવી સંવેદનશીલ પરિસ્થિતિની વચ્ચે સૈન્ય હવાઈ મથક પર શું કામગીરી કરવામાં આવી રહી છે. નોટમમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે હાલ પૂરતું આ એરબેઝ ઉડાન માટે કાર્યરત રહેશે નહીં.
ભારતે કરેલા હુમલાનો પુરાવો
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના દક્ષિણી ભાગમાં આવેલા આ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ એરબેઝને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય અને તેની સમય મર્યાદા એ વાતનો પુરાવો છે કે આ એરબેઝ પર ભારત દ્વારા આકરો હુમલો કરવામાં આવ્યો હતો. રહીમ યાર ખાન એરબેઝ કે જેને સત્તાવાર રીતે શેખ જાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહીમ યાર ખાન શહેરથી લગભગ 4.6 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે ‘ઓપરેશન સિંદૂર’ બાબતે એક બ્રીફિંગમાં, ભારતીય વાયુસેનાએ ઉપગ્રહ દ્વારા મેળવેલી તસવીરો દ્વારા પુષ્ટિ કરી હતી કે ભારતે રહીમ યાર ખાન વાયુસેના સ્ટેશનના રનવે પર સફળતાપૂર્વક પ્રહાર કર્યો હતો. આ હુમલામાં એરપોર્ટને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે આ એરપોર્ટનું સંચાલન પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ પાકિસ્તાન વાયુસેના દ્વારા લશ્કરી હેતુઓ માટે પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો…..ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાનના ફાઇટર જેટને નુકસાન, પાકિસ્તાને આખરે સ્વીકાર્યું