ઇન્ટરનેશનલ

ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા રશિયાનો કડક મિજાજ, પુતિને આપી સૈન્ય કાર્યવાહીની ધમકી

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને વિરામ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ તેજ થઈ છે. રવિવારે ફ્લોરિડામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે એક અત્યંત મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે તેમાં યુદ્ધના અંત માટેના સંભવિત માર્ગો પર ચર્ચા થઈ શકે છે. જોકે, આ મુલાકાત પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આકરા તેવર બતાવીને શાંતિ મંત્રણાની આશાઓ પર આશંકાના વાદળો ઘેરા કરી દીધા છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ શબ્દોમાં ઝેલેન્સ્કીને ચેતવણી આપતા કહ્યું છે કે જો વાતચીત દ્વારા કોઈ નક્કર ઉકેલ નહીં આવે, તો રશિયા તેની સૈન્ય તાકાતનો ઉપયોગ કરીને તમામ લક્ષ્યો પૂરા કરશે. પુતિને દાવો કર્યો હતો કે યુક્રેનની વર્તમાન સરકાર શાંતિ સ્થાપવા માટે ગંભીર નથી. રશિયન સરકારી એજન્સીના જણાવ્યા મુજબ, પુતિને ટાંક્યું છે કે કિવના નેતાઓ યુદ્ધ ખતમ કરવાના માર્ગમાં કોઈ રસ બતાવી રહ્યા નથી, તેથી રશિયા પાસે સૈન્ય વિકલ્પ સિવાય બીજો કોઈ રસ્તો બાકી રહેશે નહીં.

પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયાએ યુક્રેન પરના હુમલાઓ પહેલા કરતા પણ તેજ કરી દીધા છે. તાજેતરમાં રશિયાએ કિવ અને તેની આસપાસના વિસ્તારોમાં રાતભરમાં અંદાજે 500 ડ્રોન અને 40 મિસાઈલો છોડીને આતંક મચાવ્યો હતો. આ હુમલો લગભગ 10 કલાક સુધી ચાલ્યો હતો, જેમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે. ઝેલેન્સ્કીએ આ હુમલાને ટાંકીને કહ્યું કે આ ઘટના સાબિત કરે છે કે રશિયા ખરેખર શાંતિ ઈચ્છતું નથી. બીજી તરફ, ક્રેમલિનના જણાવ્યા અનુસાર રશિયન સેનાએ ડોનેત્સ્ક અને ઝાપોરિઝિયામાં કેટલાક નવા વિસ્તારો પર પણ પોતાનો કબજો જમાવી લીધો છે.

ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની આ બેઠકને યુદ્ધના અંત માટેનો ‘ટર્નિંગ પોઈન્ટ’ માનવામાં આવી રહ્યો છે. બેઠકમાં યુક્રેનને મળનારી સુરક્ષા ગેરંટી અને સીમા વિવાદો પર પ્રાથમિકતાથી ચર્ચા થશે. રશિયાએ જે રીતે સૈન્ય કમાન્ડ પોસ્ટની મુલાકાત લઈને અને હુમલા તેજ કરીને દબાણ બનાવ્યું છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં યુદ્ધભૂમિ અને મંત્રણાના ટેબલ બંને જગ્યાએ રણનીતિઓ વધુ આક્રમક બનશે.

આ પણ વાંચો…જેણે આ વિનાશ વેર્યો છે, તે હવે આ દુનિયામાં ન હોય: ઝેલેન્સકીએ નામ લીધા વિના પુતિનના મોતની કરી પ્રાર્થના

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button