યુદ્ધવિરામને લઈને પુતિને કર્યો હતો ટ્રમ્પને ફોન, વાતચીતમાં શું થયું? ટ્રમ્પે કર્યો ખુલાસો

વોશિંગટન ડીસી: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ બાદ યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધવિરામનો શ્રેય પોતાને માથે લઈ રહ્યા છે. ત્યારે હવે યુદ્ધવિરામને લઈને ટ્રમ્પે નવી વાત કરી છે. આ વાત શું છે? આવો જાણીએ.
હું તમારી મદદ કરી શકું: વ્લાદિમીર પુતિન
નેધરલેન્ડ ખાતેના નાટો શિખર સંમેલનમાં ભાગ લેવા જતા પહેલા ડૉનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાત કરી હતી. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે, “રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મને ફોન કર્યો હતો. પુતિને મને પૂછ્યું હતું કે, ઈરાનની બાબતમાં હું તમારી મદદ કરી શકું છું.”
આ પણ વાંચો: યુદ્ધવિરામ પછી પણ ઈરાનની ઇઝરાયલ સાથે દુશ્મની યથાવતઃ ઈરાનની સેન્ટ્રલ બેંકને આતંકી સંગઠન કર્યું જાહેર…
ટ્રમ્પે પુતિનની મદદ લેવાની ના પાડી
ડૉનાલ્ડ ટ્રમ્પે આગળ જણાવ્યું કે, “ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ બાબતે મે તેમની મદદ લેવાની ના પાડી હતી. મેં તેઓને યુક્રેન સાથેના યુદ્ધમાં તેમની મદદ કરવાની વાત કરી હતી.”
અગાઉ ચીને રશિયા સાથે કરી હતી વાત
ઉલ્લેખનીય છે કે, અગાઉ ચીને પણ રશિયા સાથે ઇઝરાયલ યુદ્ધ બંધ કરે તે અંગે વાત કરી હતી. ત્યારે હવે રશિયાએ અમેરિકા સાથે યુદ્ધવિરામ અંગે વાત કરી હોવાનો ખુલાસો થયો છે. જોકે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામથી બંને દેશોના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે યુદ્ધના કારણે બંને દેશોમાં ભારે નુકસાન થયું છે.