ઇઝરાયેલમાં વડા પ્રધાન નેતન્યાહૂની સામે રોષ ફાટી નીકળ્યો; હજારો લોકો વિરોધ પ્રદર્શનામાં જોડાયા…

તેલ અવિવ: યુદ્ધ વિરામ કરારનું ઉલંઘન કરીને ઈઝરાયેલી આર્મીએ ફરી ગાઝા પર રોકેટમારો (Israel overturn ceasefire deal) શરુ કર્યો છે, જેમાં બાળકો સહીત ઘણા નિર્દોષ નાગરીકોના જીવ ગયા છે. ઈઝરાયેલી આર્મીના અમાનવીય હુમલાને દુનિયાભરમાં વખોડવામાં આવી રહ્યો છે, સાથે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu)ની પણ ટીકા કરવામાં આવી રહી છે. એવામાં હવે ઇઝરાયેલમાં પણ બેન્જામિન નેતન્યાહૂનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શનિવારે તેલ અવીવમાં હજારો લોકોએ રસ્તા પર ઉતરી નેતન્યાહૂ સામે વિરોધ પ્રદર્શન (Protest in Tel Aviv) કર્યું હતું.
આ પણ વાંચો..ભારતનો બાંગ્લાદેશને સ્પષ્ટ જવાબ; વડાપ્રધાન મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક નહીં થાય
આ કારણે લોકોમાં રોષ:
નેતન્યાહૂએ તાજેતરમાં ઇઝરાયેલની સ્થાનિક ગુપ્તચર એજન્સી શિન બેટ(Shin Bet)ના વડા રોનેન બાર(Ronen Bar)ને બરતરફ કર્યા હતાં. એવો આરોપ છે કે આ નિર્ણયને રાજકીય રીતે પ્રેરિત હતો. બીજી તરફ, ગાઝામાં યુદ્ધ ફરી શરૂ કરવાને કારણે પણ લોકોમાં રોષ છે. લોકોના મત મુજબ યુદ્ધવિરામને હજુ આગળ વધારવો જોઈએ, જેથી હમાસ પાસે રહેલા ઇઝાયેલી બંધકો સલામત રીતે મુક્ત થઇ શકે. આ બાબતોને કારણે તેલ અવીવમાં હજારો લોકોએ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઇઝરાયલી વડા પ્રધાને થોડા દિવસો પેહલા મીડિયાને સંબોધતા કહ્યું હતું કે તેમને હવે રોનેન બાર પર વિશ્વાસ નથી, આ કારણસર તેમને 10 એપ્રિલે બરતરફ કરવામાં આવશે.
રોનેન બાર 2021 થી શિન બેટના વડા છે. નેતન્યાહૂના આ નિર્ણય બાદ લોકો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. નેતન્યાહૂના નિવેદન પછી, ઇઝરાયલી સુપ્રીમ કોર્ટ પણ એક્શન આવી અને રોનેનની બરતરફી પર અસ્થાયી રૂપે સ્ટે લગાવી દીધો.
નેતન્યાહૂ પર ગંભીર આરોપ:
નેતન્યાહૂના પર આરોપ છે કે સત્તામાં ટકી રહેવા માટે તેઓ આવા નિર્ણયો લઇ રહ્યા છે. તેઓ સતત ઇઝરાયેલની લોકશાહીને નબળી પાડી રહ્યા છે. જોકે, નેતન્યાહૂએ આ બધા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
અહેવાલ મુજબ નેતન્યાહૂ ભલે આ આરોપોને નકારી કાઢે, પરંતુ લોકોમાં તેમના પ્રત્યે રોષ વધી રહ્યો છે. તેલ અવીવના હબીમા સ્ક્વેરમાં ઇઝરાયલી ધ્વજ લઈને પ્રદર્શનકારીઓએ ગાઝામાં સમાધાનની પણ માંગ કરી હતી, જેથી બાકીના ઇઝરાયલી બંધકોને સલામત રીતે મુક્ત થાય.
આ પણ વાંચો..ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ૮૫નાં મોત…
બંધકોનું ભાવિ અસ્પષ્ટ:
ઇઝરાયેલના 59 બંધકો હજુ પણ હમાસના કબજામાં છે, એવામાં ઇઝરાયેલે ગાઝા પર ફરી હુમલો શરૂ કરતા બંધકોનું ભાવિ અસ્પષ્ટ થઇ ગયું છે, 59 માંથી 24 હજુ પણ જીવિત હોવાનો અંદાજ છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે યુદ્ધ ફરી શરુ થવાથી અપહરણકર્તા બંધકોને મારી નાખશે અથવા બંધકો ઇઝરાયેલના બોમ્બ ધડાકાથી આકસ્મિક રીતે માર્યા જશે.