ફ્રાન્સમાં સરકાર સામે વિરોધ પ્રદર્શનો, હજારો લોકો ઉમટયા; એફિલ ટાવર બંધ

પેરીસ: ફ્રાંસમાં છેલ્લા એક મહિનાથી રાજકીય તણાવ જોવા મળી રહ્યો છે. ફ્રાંસમાં બજેટ ખાધ વધી રહી છે, જેને પહોંચી વળવા સરકાર ખર્ચમાં કાપ મૂકી રહી છે, જેને કારણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સામે વિરોધ વધી રહ્યો છે. ગત મહીને થયેલા પ્રદર્શનો બાદ હવે ફરી વિરોધ પ્રદર્શનો શરુ થયા છે. ગુરુવારે ખર્ચમાં કાપના વિરોધમાં અને શ્રીમંતો પર વધુ કરવેરા લાદવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો (Protest in France) યોજાયા હતાં, જેને કારણે પેરિસમાં એફિલ ટાવર બંધ કરવાની ફરજ પડી હતી.
ફ્રાંસના 200 થી વધુ શહેરોમાં રેલીઓમાં યોજાઈ હતી, પાટનગર પેરીસના પ્લેસ ડી’ઇટાલીમાં હજારો કામદારો, નિવૃત્ત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ એકઠા થયા હતાં અને કૂચ કરી હતી. જેને કારણે પેરિસના એફિલ ટાવર મુલાકાતીઓ માટે દિવસભર બંધ રાખવામાં આવ્યો.
યુનિયનોની માંગ:
ફ્રાન્સના યુનિયનો આ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિયનના આગેવાનો વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ દ્વારા ડ્રાફ્ટ બજેટમાં કાપ મુકવાનો પ્રસ્તાવ પાછો લેવા અપીલ કરી રહ્યા છે. બજેટમાં કાપને કારણે ઓછી અને મધ્યમ આવક ધરાવતા કામદારોને સૌથી વધુ અસર થશે યુનિયનના આગેવાનો ધનિકો પર વધુ કરવેરા લાદવાની માંગ કરી રહ્યા છે.
ફ્રાંસમાં રાજકીય તણાવ:
ગત મહીને સરકારે અવિશ્વાસ મત ગુમાવ્યા બાદ ફ્રાન્કોઇસ બાયરોએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું, ત્યાર બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સેબેસ્ટિયન લેકોર્નુને નવા વડા પ્રધાન નીમ્યા હતાં. કોર્નુએ હજુ સુધી તેમના બજેટની સ્પષ્ટતા જાહેર કરી નથી કે સરકારના પ્રધાનોની નિમણૂક પણ કરી નથી. ફ્રાન્સની સંસદ વર્ષના અંત પહેલા બજેટ બિલ પર ચર્ચા કરવાની છે, જો તેમની માંગણીઓને અવગણવામાં આવે તો યુનિયનો વિરોધ વધુ પ્રચંડ બને એવી શક્યતા છે.
આપણ વાંચો: કેનેડામાં ખાલિસ્તાનીઓના નિશાન પર ભારતીય ફિલ્મો: થિયેટર પર ગોળીબાર અને આગચંપી