ચીન તરફી મોહમ્મદ મુઇઝ માલદીવના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, ભારત તરફી ઇબ્રાહિમ સોલિહની હાર
માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર મોહમ્મદ મુઈઝનો વિજય થયો છે. પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ (PPM)ના ઉમેદવાર મુઈઝે ભારત તરફી વર્તમાન પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને હરાવ્યા હતા. મુઇઝ હાલમાં દેશની રાજધાની માલે શહેરના મેયર છે. તેમને ચીનના સમર્થક માનવામાં આવે છે. તેઓ ચીન સાથે મજબૂત સંબંધો પર જોર આપતા આવ્યા છે.
આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો વર્તમાન પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ અને મુઈઝ વચ્ચે હતો. મીડિયા અહેવાલ અનુસાર, તમામ 586 મતપેટીઓના પરિણામોની ગણતરી કર્યા પછી, મુઇઝને 53 ટકા મત મળ્યા હતા. જ્યારે વર્તમાન પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને 46 ટકા મત મળ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે બીજી વખત મતદાન થયું હતું. 8 સપ્ટેમ્બરે થયેલા મતદાનમાં કોઈને 50 ટકા વોટ મળ્યા ન હતા.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત પછી મુઇઝે એક નિવેદનમાં તેમને ટેકો આપનારા દરેકનો આભાર માન્યો. તેમણે ભ્રષ્ટાચારના આરોપમાં 11 વર્ષની જેલની સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને મુક્ત કરવા સરકારને અહવાન કર્યું હતું. તેમણે નિવેદનમાં કહ્યું “આજે ખૂબ જ ખુશીનો દિવસ છે. હું મારા હૃદયના ઊંડાણથી માલદીવના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આજનું પરિણામ આપણા દેશનું સારું ભવિષ્ય બનાવવા અને આપણા રાષ્ટ્રની સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે.”
આ સાથે ચૂંટણી પરિણામો પછી માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહે હાર સ્વીકારી અને મુઇઝને અભિનંદન આપ્યા. તેમણે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું “મુઇઝને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અભિનંદન. ચૂંટણીમાં લોકોએ જે સુંદર લોકશાહીનો દાખલો બેસાડ્યો તે બદલ આભાર. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના સભ્યોનો આભાર જેમણે સાથે મળીને કામ કર્યું.”
માલદીવના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શનિવારે લગભગ 80 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે મુઈઝે ચૂંટણી જીત્યા બાદ ભારત સાથેના સંબંધો ઘટાડવાનું વચન આપ્યું હતું. મુઈઝનું કહેવું છે કે તેઓ ચીન સાથેના સંબંધોને વધુ મજબૂત કરશે. 2018માં જ્યારે માલદીવના તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને સત્તા છોડવી પડી ત્યારે મુઈઝ દેશના બાંધકામ વિભાગના પ્રધાન હતા. જ્યારે યામીન જેલમાં ગયા ત્યારે મુઈઝને તેમની પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું.