નેપાળમાં 13,000 કેદીઓ જેલમાંથી ભાગી છૂટ્યા, સેનાના ગોળીબારમાં 5 કિશોર સહીત 7ના મોત

કાઠમંડુ: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરુ થયેલા પ્રદર્શનો બેકાબુ બની જતા આરાજકતાનો સ્થિતિ ઉભી થઇ છે. જેલમાં બંધ કેદીઓ ઉભી થયેલી સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યા છે. નેપાળીના અધિકારીઓના જણાવ્યા મુજબ વિરોધ પ્રદર્શનો દરમિયાન દેશના 77 જિલ્લાઓની જેલમાંથી 13,000 કેદીઓને ભાગી છૂટ્યા છે. કેટલીક જગ્યાએ ભાગી રહેલા કેદીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઇ હતી, જેમાં કેટલાક કેદીઓના મોત નીપજ્યા છે.
સાત કેદીના મોત:
અધિકારીઓના જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે બાંકેના બૈજનાથ ગ્રામીણ મ્યુનિસિપાલિટી-3 માં સ્થિત નૌબસ્તા પ્રાદેશિક જેલમાં આવેલા સુધારણા ગૃહમાં કિશોર વયના કેદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ દરમિયાન ગોળીબારમાં પાંચ કિશોર કેદીના મોત થયા અને ચાર ઘાયલ થયા. આ દરમિયાન જેલમાં રહેલા 585 કેદીઓમાંથી 149 અને કિશોર ગૃહમાં રહેલા 176 કિશોર કેદીઓમાંથી 76 ભાગી છૂટ્યા હતાં.
અહેવાલ મુજબ નેપાળમાં ધાડિંગ જિલ્લાની જેલમાંથી કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, તેમને રોકવા સેનાએ વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો ત્યાર બાદ જવાનોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં બે કેદીના મોત થયા અને 10 કેદીઓ ઘાયલ થયા છે. ઘાયલ કેદીઓને સારવાર માટે કાઠમંડુ મોકલવામાં આવ્યા છે.
રાજકીય કેદીઓને મુક્ત કરવા પ્રયાસ:
નોંધનીય છે કે લલિતપુરની નખ્ખુ સેન્ટ્રલ જેલમાંથી કેદ ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી(RSP)ના અધ્યક્ષ રબી લામિછાને મુક્ત કરવામાં આવ્યા. RSP નેપાળની સંસદમાં ચોથો સૌથી મોટો પક્ષ છે.
હિંસક પ્રદર્શનો દરમિયાન સુપ્રીમ કોર્ટની બિલ્ડીંગ, એટર્ની જનરલની ઓફિસ અને 17 નીચલી અદાલતોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાક પક્ષના ચોક્કસ નેતા સામે જે અદાલતોમાં કેસ ચાલી રહ્યા હતાં તેવી અદાલતોમાં કાગળો અને અન્ય રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: નેપાળમાં સરકારને ઉથલાવી નાખનાર આ Gen Z કોણ છે? જાણો તમારી ઉંમર પ્રમાણે તમે કઈ કેટેગરીમાં આવો છો