યુરોપનો એવો દેશ જ્યાં ચાર બાળકો કરવાથી મળશે ટેક્સમાંથી છૂટકારો, જાણો નિર્ણય પાછળનું કારણ…

દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસમાં ઘટતી જનસંખ્યાને લઈને ચિંતા વધી છે. આ સમસ્યાને ઉકેલવા માટે સરકારે 1.6 અબજ યુરો (લગભગ 16,563 કરોડ રૂપિયા)નું રાહત પેકેજ પણ જાહેર કર્યું છે.
આ યોજના દ્વારા વધુ બાળકોના જન્મને પ્રોત્સાહન આપવા ટેક્સમાં રાહત સહિતના પગલા લેવામાં આવશે. ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસે આને દેશનો સૌથી મોટો પડકાર ગણાવીને 2026થી નવી નીતિઓ લાગુ કરવાની જાહેરાત કરી છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે ગ્રીસની સરકારે વસ્તી વધારવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ અંતર્ગત ચાર બાળકો ધરાવતા પરિવારોને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. જે વસાહતોમાં 1500થી ઓછી વસ્તી હશે, ત્યાંના લોકોને પણ અન્ય ટેક્સમાં રાહત મળશે.
આ નીતિઓ 2026થી અમલમાં આવશે, અને તેનાથી થનાર નાણાકીય ખોટને રાજકોષમાંથી પૂરી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દેશ માટે ટેક્સમાં આપેલી રાહતે પાછલા 50 વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કેમ કે આ અગાઉ આવી રાહત આપવામાં આવી નથી.
વડા પ્રધાન મિત્સોતાકિસે જણાવ્યું કે વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહન આપવું જરૂરી છે, કારણ કે બાળકોની સંખ્યા વધવાથી જીવનખર્ચમાં ફરક પડે છે.
નવી નીતિ હેઠળ, તમામ વર્ગોને 2 ટકા ટેક્સ કપાતનો લાભ મળશે, પરંતુ ચાર બાળકો ધરાવતા ઓછી આવકના પરિવારોને શૂન્ય ટેક્સ નીતિનો ફાયદો મળશે. આ પગલા દેશની ઘટતી જનસંખ્યાને વધારવા માટે લેવામાં આવ્યો છે.
યુરોપમાં સૌથી ઓછો પ્રજનન દર ધરાવતો ગ્રીસ દેશ જ છે. જે પ્રતિ મહિલા માત્ર 1.4 બાળકોનો છે, જ્યારે આદર્શ દર 2.1 હોવો જોઈએ. અહેવાલો પ્રમાણે હાલ ગ્રીસ 1.02 કરોડની વસ્તી ધરાવે છે. જે વર્ષ 2050માં ઘટીને 80 લાખથી પણ ઓછી થવાની શક્યતા છે. આ વસ્તીમાં 36 ટકા લોકો 65થી વધુ ઉંમર ધરાવે છે.
નાણામંત્રી કિરિયાકોસ પિયેરાકાકિસે આને દેશના અસ્તિત્વ માટે જોખમ ગણાવ્યું હતું. આશરે એક દાયકા સુધી ચાલેલા આર્થિક સંકટ દરમિયાન લગભગ પાંચ લાખ યુવા અને પ્રતિભાશાળી લોકોએ રોજગારની શોધમાં દેશ છોડી દીધો હતો, જેનાથી પ્રજનન દર અડધો થઈ ગયો છે.
ગ્રીસની સરકારે સ્વીકાર્યું છે કે 15 વર્ષ પહેલા આવેલા આર્થિક સંકટે જનસાંખ્યિકીય સમસ્યાને વધુ ગંભીર બનાવી છે. નવી ટેક્સ નીતિ અને અન્ય સુધારાઓ આ મુદ્દાને ઉકેલવામાં મદદ કરશે. સરકારે જનસંખ્યા વધારવાને પોતાની સૌથી મોટી પ્રાથમિકતા ગણાવી છે, જેથી દેશનું ભવિષ્ય સુરક્ષિત રહે અને આર્થિક સ્થિરતા જળવાઈ રહે.