ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધની કાર્યવાહી બદલ પોપ ફ્રાન્સીસ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડક્યા, કહ્યું અંત ખરાબ હશે…
![Pope Francis' warning to Donald Trump](/wp-content/uploads/2025/02/Pope-Francis-warning-to-Donald-Trump.webp)
વોશિંગ્ટન: તાજેતરમાં અમેરિકા દ્વારા દેશમાં ગેરકાયદે વસતા પ્રવાસીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ મુદ્દાનું વચન આપવામાં આવ્યું હતું અને હવે તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોપ ફ્રાન્સિસે ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના પગલાની નિંદા કરી છે અને ચેતવણી આપી છે કે તેના ગંભીર પરિણામો આવશે.
તેનો અંત ખરાબ થશે
હાલ અમેરિકા દ્વારા ઇમિગ્રન્ટ્સને દેશનિકાલની કાર્યવાહીને લઈને વિશ્વમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે કેથોલિક ચર્ચના વડા અને ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસે દ્વારા ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ અંગે મોટું નિવેદન આપ્યું છે. પોપ ફ્રાન્સિસે અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અંગે ટ્રમ્પ વહીવટીતંત્ર પર પ્રહારો કર્યા અને ચેતવણી આપી કે તેનો અંત ખરાબ થશે.
પોપ ફ્રાન્સિસે બિશપને પત્ર લખ્યો
રાષ્ટ્રપતિની કાર્યવાહીથી નારાજ પોપ ફ્રાન્સિસે આ સંદર્ભે અમેરિકાના બિશપને પત્ર લખ્યો છે. ઇતિહાસના પ્રથમ લેટિન અમેરિકન પોપે લાંબા સમયથી સ્થળાંતર કરનારાઓની સંભાળ રાખવાને તેમની ધર્મપીઠની પ્રાથમિકતા ગણાવી છે અને માંગ કરી છે કે દેશો સંઘર્ષ, ગરીબી અને આબોહવા આફતોથી ભાગી રહેલા લોકોનું સ્વાગત કરે અને તેમનું રક્ષણ કરે.
ટ્રમ્પે એક આદેશ પર કર્યા હસ્તાક્ષર
અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ ટ્રમ્પ વહીવટીતંત્રની કાર્યવાહી અનેક દેશોમાં નિંદા થઈ રહી છે. તાજેતરમાં જ ભારતના નાગરિકોને હાથકડી સાથે વતન પરત કરવાના મામલે હંગામો મચેલો છે. ભારતે નાગરિકોના અપમાનને નહી સહન કરવાની વાત કરી છે. જો કે આ દમરિયાન જ ટ્રમ્પે એક આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં બિનદસ્તાવેજી ઇમિગ્રન્ટ્સના બાળકોને નાગરિક ગણવામાં આવશે નહીં.
કાર્યભાર સંભાળ્યા બાદ કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર 4 દિવસની અંદર જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે દેશનિકાલની કાર્યવાહીનો આરંભ કરી દીધો હતો. અમેરિકાએ લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે દેશનિકાલ ફ્લાઇટ્સ શરૂ કરી દીધી હતી. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મોટા પાયે દેશનિકાલ કરવો એ ટ્રમ્પના મુખ્ય ચૂંટણી વચનોમાંનું એક રહ્યું છે.