ટ્રમ્પ-મસ્ક વચ્ચે રાજકીય તિરાડ: ટ્રમ્પના બિલને ગણાવ્યું ‘ગાંડપણ’, આપી રાજકીય પક્ષ રચવાની ધમકી

વોશિંગ્ટન: એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ નજીકના અને સલાહકાર ગણાતા ઈલોન મસ્ક હવે તેના કટ્ટા આલોચક બની ગયા હોય તેમ હવે તેમણે ટ્રમ્પના મહત્વાકાંક્ષી “વન બિગ, બ્યુટીફુલ બિલ”ની ફરીથી આકરી ટીકા કરી છે. મસ્કે આ બિલને “ગાંડપણ” અને સામાન્ય કરદાતાઓ પર બોજ ગણાવ્યો છે. જો કે આ બિલના વિરોધમાં તેમણે એવી પણ ચેતવણી આપી છે કે જો સેનેટ આ બિલને મંજૂરી આપશે, તો તેઓ બીજા જ દિવસે “અમેરિકા પાર્ટી” નામની એક નવી રાજકીય પાર્ટી શરૂ કરશે.
મસ્કે કહ્યું ‘પોર્કી પિગ પાર્ટી’
\ટ્રમ્પના બીજા કાર્યકાળની આ મુખ્ય નીતિમાં સંરક્ષણ, ઊર્જા અને સરહદ સુરક્ષા માટે મોટા બજેટની માંગ કરવામાં આવી છે, પરંતુ પોષણ અને આરોગ્ય સેવાઓમાં કાપનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના બજેટ કાર્યાલયના અંદાજ મુજબ, આગામી દસ વર્ષમાં આ બિલ રાષ્ટ્રીય ખાધને લગભગ $3.3 ટ્રિલિયન સુધી વધારી દેશે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બિલને “પોર્કી પિગ પાર્ટી” ગણાવ્યો છે. તેમણે લખ્યું, “આ બિલ પાંચ ટ્રિલિયન ડોલરની રેકોર્ડ લોન મર્યાદા વધારે છે. તે સ્પષ્ટ છે કે આપણે હવે એક પાર્ટીવાળા દેશમાં રહીએ છીએ – ‘પોર્કી પિગ પાર્ટી’! હવે સમય આવી ગયો છે એક એવી નવી પાર્ટીનો જે ખરેખર લોકોની પરવા કરે.”
રિપબ્લિકન નેતાઓ પર પણ પ્રહાર
મસ્કે રિપબ્લિકન નેતાઓ પર પણ પ્રહાર કર્યા છે. મસ્કે રિપબ્લિકન નેતાઓ, ખાસ કરીને હાઉસ ફ્રીડમ કોકસના અધ્યક્ષ એન્ડી હેરિસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, “જો તમે સરકારી ખર્ચ ઘટાડવાના નામે ચૂંટાયા છો અને પછી સૌથી મોટી દેવું મર્યાદા વધારનારા બિલ માટે મત આપો છો, તો તમને શરમ આવવી જોઈએ.” ઈલોન મસ્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જો આ પાગલપનભર્યું બિલ પસાર થાય છે, તો બીજા જ દિવસે ‘અમેરિકા પાર્ટી’ની શરૂઆત કરીશ. અમને ડેમોક્રેટ-રિપબ્લિકનના આ યુનિપાર્ટી સિસ્ટમનો વિકલ્પ જોઈએ છે, જેથી સામાન્ય લોકોનો અવાજ ઉઠી શકે.”
ટ્રમ્પ સાથે દોસ્તીમાંથી મસ્કની રાજકીય કડવાશ
નોંધનીય છે કે એલન મસ્ક એક સમયે ટ્રમ્પના નજીકના સહયોગી અને સલાહકાર હતા, અને તેમને ‘ગવર્નમેન્ટ એફિશિયન્સી વિભાગ’ના વડા પણ બનાવવામાં આવ્યા હતા. જોકે, ટૂંક સમયમાં જ બંને વચ્ચે મતભેદ ઉગ્ર બન્યા. મસ્કે દાવો કર્યો હતો કે તેમના સમર્થન વિના ટ્રમ્પ ચૂંટણી હારી જાત. 5 જૂને મસ્કે પોસ્ટ કરી કહ્યા હતું કે “મારા વિના, ટ્રમ્પ ચૂંટણી હાર્યા હોત, ડેમોક્રેટ્સ હાઉસને નિયંત્રિત કરતા હોત અને સેનેટમાં રિપબ્લિકન 51-49 સભ્યો હોત.” તેના જવાબમાં ટ્રમ્પે પણ મસ્કને ‘અસભ્ય’ કહ્યા હતા, પરંતુ પાછળથી એક રેલીમાં તેમને “સ્માર્ટ અને શાનદાર વ્યક્તિ” ગણાવ્યા હતા. આ ઘટનાક્રમથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો…ન્યૂ યોર્ક મેયરની રેસમાં વિવાદ: ભારતીય મૂળના ઝોહરાન મમદાની પર ટ્રમ્પના પ્રહાર