ઇન્ટરનેશનલ

અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને શોધવા પોલીસ ગુરૂદ્વારાઓમાં ઘૂસીઃ સંગઠનોનો વિરોધ

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં મૂકાયા છે. અમેરિકામાં સતત ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને શોધી કાઢીને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમેરિકાની પોલીસ આવા પ્રવાસીઓને શોધવા માટે ગુરૂદ્વારાઓમાં ઘૂસી રહી છે. જેનો શીખ સંગઠનો વિરોધ કરી રહ્યા છે.

યુ. એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના કાયદા અમલીકરણ અધિકારીઓએ ગેરકાયદે પ્રવાસીઓની હાજરી ચકાસવા માટે ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીના ગુરૂદ્વારાઓની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. જેનો કેટલાક શીખ સંગઠનો તરફથી વિરોધ કરવામાં આવ્યો છે. તેઓએ આ પ્રકારની કાર્યવાહીને પોતાના ધર્મની પવિત્રતા માટે ખતરો ગણાવ્યો છે. ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં કેટલાક ગુરુદ્વારાઓનો ઉપયોગ શીખ અલગતાવાદીઓ તેમજ ગેરકાયદે અને બિનદસ્તાવેજી ઇમિગ્રન્ટ્સ દ્વારા કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના કલાકોમાં જ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના કાર્યકારી સચિવ બેન્જામિન હફમેને એક નિર્દેશમાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(આઇસીઇ) અને કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન(સીબીપી)ની અમલીકરણ કાર્યવાહી માટે બાઇડન વહીવટીતંત્રની માર્ગદર્શિકા રદ્દ કરી હતી. જે કહેવાતા સંવેદનશીલ વિસ્તારોમાં અથવા તેની નજીક કાયદાના અમલીકરણમાં અવરોધ ઉભો કરે છે. આ સંવેદનશીલ વિસ્તારોમાં ગુરુદ્વારા અને ચર્ચ જેવા ધાર્મિક સ્થળો પણ સામેલ હતા. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ ગુનેગારો હવે ધરપકડથી બચવા માટે અમેરિકાની શાળાઓ અને ચર્ચોમાં છુપાઇ નહીં શકે. ટ્રમ્પ વહીવટીતંત્ર આપણા બહાદુર કાયદા અમલીકરણના હાથ બાંધશે નહીં. પરંતુ તેમની કાર્યવાહી પર વિશ્વાસ રાખશે.

Also read: USAમાં ગેરકાયદે વસતા લાખો લોકોને મોટી રાહત; કોર્ટે ટ્રમ્પના ઓર્ડર પર રોક લગાવી

અમેરિકન પોલીસની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતા શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડ(એસએએલડીએફ)એ ધાર્મિક સ્થળો જેવા સંવેદનશીલ વિસ્તારોને ઓળખતી માર્ગદર્શિકા રદ્દ કરવા પર ચિંતા વ્યક્ત કરી હતી. હકીકતમાં અગાઉ આ સ્થળોએ આવી કાર્યવાહી પર પ્રતિબંધ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button