
નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઇઝરાયલ- ગાઝા યુદ્ધવિરામની(Israel Gaza Ceasefire)આખરે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રવિવારે આ યુદ્ધવિરામ અમલમાં આવ્યો તે પૂર્વે હમાસે મુક્ત કરાયેલા પ્રથમ ત્રણ ઇઝરાયલી બંધકોના નામ જાહેર કર્યા હતા. આ યુદ્ધ વિરામથી 15 મહિના જૂના સંઘર્ષનો હાલ અંત આવ્યો છે.
બંને પક્ષના બંધકો અને કેદીઓને મુક્ત કરવાના હતા
આ યુદ્ધ વિરામની ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતે આ જાહેરાત કરી છે. જોકે આ યુદ્ધ વિરામ આજે રવિવારે સવારે 8.30 વાગ્યે લાગુ થવાનો હતો અને બંને પક્ષના બંધકો અને કેદીઓને મુક્ત કરવાના હતા. પરંતુ પછી મામલો અટકી ગયો હતો જેમાં અગાઉ બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે કહ્યું હતું કે જ્યાં સુધી હમાસ દ્વારા મુક્ત કરાયેલા બંધકોની યાદી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગાઝામાં યુદ્ધવિરામ અમલમાં આવશે નહીં. આ પછી હમાસે યાદી સોંપી હતી.
Also read: Israel-Biden: “નેતન્યાહૂનું વલણ ઇઝરાયેલને નુકસાન પહોંચાડી રહ્યું છે”, જો બાઈડેનનું નિવેદન
યુદ્ધવિરામ 3 થી 4 કલાક માટે મોડો અમલમાં આવ્યો
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે કહ્યું હતું કે તેમનો દેશ હમાસ સાથેના યુદ્ધવિરામને કામચલાઉ માને છે અને જો જરૂરી હોય તો યુદ્ધ ચાલુ રાખવાનો અધિકાર અનામત રાખે છે. ઇઝરાયલને બંધકોની યાદી ન મળતાં યુદ્ધ વિરામ 3 થી 4 કલાક માટે મોડો અમલમાં આવ્યો હતો. હમાસ પ્રથમ તબક્કામાં 42 ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે.
અમે મધ્ય પૂર્વનો ચહેરો બદલી નાખ્યો : નેતન્યાહૂ
ઈઝરાયેલ -હમાસ યુદ્ધ વિરામની જાહેરાતના 12 કલાક પૂર્વે બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં નેતન્યાહૂએ દાવો કર્યો કે તેમને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન છે. જેમની સાથે તેમણે બુધવારે વાત કરી હતી.નેતન્યાહૂ એ સિરીયા અને લેબનોનના હુમલાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે અમે મધ્ય પૂર્વનો ચહેરો બદલી નાખ્યો છે. નેતન્યાહૂએ કહ્યું હતું આ યુદ્ધવિરામ ત્યાં સુધી અસરકારક રહેશે નહીં જ્યાં સુધી હમાસ બંધકોની યાદી નહીં સોંપે.