Mauritiusના નવા પ્રધાનમંત્રી બનશે ડૉ.નવીન રામગુલામ, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી
પોર્ટ લુઇસ : મોરેશિયસમાં(Mauritius)યોજાયેલી સંસદીય ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો છે. મોરેશિયસમાં રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં લેબર પાર્ટીના ડૉ.નવીન રામગુલામની જીત થઇ છે. ડૉ.નવીન રામગુલામ મોરેશિયસના નવા પ્રધાનમંત્રી બનશે. બ્રિટનથી વર્ષ 1968માં આઝાદ થયા બાદ મોરેશિયસમાં 12મી સંસદીય ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. સંસદની 62 બેઠકો માટે 68 પક્ષો અને પાંચ રાજકીય ગઠબંધનની યાદીમાંથી ધારાસભ્યોને પસંદ કરવા માટે મતદાન યોજાયું હતું.
કોણ છે ડૉ. નવીન રામગુલામ ?
77 વર્ષીય નવીન રામગુલામના પિતા શિવસાગર રામગુલામ મોરેશિયસના પ્રથમ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી હતા. તેમજ ડૉ. નવીન રામગુલામ 1995 થી 2000 અને 2005 થી 2014 સુધી મોરેશિયસના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે.
પીએમ મોદીએ જીત બદલ શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત પર ડૉ.નવીન રામગુલામને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે ” તેમના મિત્ર ડૉ. નવીન રામગુલામ સાથે વાતચીત કરી અને તેમને ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા. મેં તેમને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. અમારી વિશેષ ભાગીદારીને મજબૂત કરવા સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.”
Also read: મણિપુરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહીઃ 11 ઉગ્રવાદી ઠાર
હાલના પીએમ પ્રવિંદ જુગનાથએ દેશને શુભેચ્છા પાઠવી
ચૂંટણીના નિર્ણય અંગે મોરેશિયસના હાલના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથએ કહ્યું કે મે દેશ અને લોકો માટે જે પણ કરી શકાય તે તે પૂર્ણ સમર્પણ સાથે કરવાનો પ્રયાસ કર્યો છે. લોકોએ બીજી પાર્ટી પસંદ કરવાનું નક્કી કર્યું છે. હું દેશને શુભેચ્છા પાઠવું છું.