રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના, પીએમ મોદી જશે યુક્રેન

2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને પ્રથમ વખત કિવની મુલાકાત લે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. લગભગ એક મહિના પહેલા વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી ઈટાલીમાં જી7 સમિટ દરમિયાન મળ્યા હતા. ઈટાલીમાં બંને નેતાઓ મુલાકાત વખતે ગળે મળતા જોવા મળ્યા હતા. ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત મેળવ્યા બાદ અભિનંદન પાઠવ્યા હતા અને તેમને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
સૌથી મહત્વની બાબત એ છે કે વડા પ્રધાનની યુક્રેનની મુલાકાત યુદ્ધ સમાપ્ત થવાની સંભાવનાને પણ જન્મ આપે છે કારણ કે તેઓ રશિયાની મુલાકાત પછી તરત જ યુક્રેનની મુલાકાત લેવાના છે. આ પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને મધ્યસ્થી કરવાની અપીલ કરી હતી. દુનિયાને પણ ખબર છે કે પીએમ મોદીની પુતિન સાથે સારી મિત્રતા છે અને તેઓ પુતિન સાથે તેમનો ખભો થપથપાવીને પણ વાત કરી શકે છે.
| Also Read: US President Election: કમલા હેરિસ શાસન કરવા માટે યોગ્ય નહીં હોવાનો ટ્રમ્પનો દાવો
અગાઉ સપ્ટેમ્બર 2022માં ઉઝબેક શહેર સમરકંદમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, “આજનો યુગ યુદ્ધનો યુગ નથી.” તેમણે પુતિનને યુક્રેન સંઘર્ષનો અંત લાવવા કહ્યું. તેમના સંદેશને વિશ્વના ઘણા નેતાઓ તરફથી પ્રશંસા મળી હતી.
આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન કૉલમાં, પીએમ મોદીએ ભારત-યુક્રેન ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. આ સમય દરમિયાન, તેમણે સંઘર્ષના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિનો માર્ગ અપનાવવા સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવા માટે તેની ક્ષમતામાં બધું કરવાનું ચાલુ રાખશે. યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતનું માનવું છે કે તેને માત્ર વાતચીત અને કૂટનીતિથી જ ઉકેલી શકાય છે.