PM Modi ની એવી નીતિ જેના વખાણ કરી રહ્યા છે રાહુલ ગાંધી, દુનિયાભરમાં છે ચર્ચા

વોશિંગ્ટન: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમના અમેરિકા પ્રવાસ દરમ્યાન દરેક મોરચે ભાજપનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.પરંતુ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Modi)કેટલીક બાબતોને માની પણ રહ્યા છે. કોંગ્રેસના સાંસદે વિદેશ નીતિના મામલામાં પીએમ મોદીનું સમર્થન કર્યું છે.
ચીન પર પીએમ મોદીની નીતિઓથી અસહમત
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેના સંબંધો, આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં અને બાંગ્લાદેશ અને ઈઝરાયેલમાં ઉગ્રવાદીઓની ચિંતા જેવા મુખ્ય વિદેશ નીતિના મુદ્દાઓ પર કોંગ્રેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સાથે છે. રાહુલ જો કે ચીન પર પીએમ મોદીની નીતિઓથી સહમત નથી અને આરોપ લગાવ્યો છે કે ચીની સેનાએ લદ્દાખમાં દિલ્હીના વિસ્તાર જેટલા ભારતીય વિસ્તાર પર કબજો કરી લીધો છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદીની પાકિસ્તાન નીતિ પર વાત કરી
રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબ’માં મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગેની પીએમ મોદીની નીતિઓનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું, પાકિસ્તાન દ્વારા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન બંને દેશોને પાછળ ધકેલી રહ્યું છે. અમે ભારતમાં પાકિસ્તાન દ્વારા કરાતી આતંકી પ્રવુતિને સાંખી નહિ લઇએ. જ્યાં સુધી આમ ચાલશે ત્યાં સુધી સમસ્યા રહેશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કાશ્મીરનો મુદ્દો દક્ષિણ એશિયાના બે દેશોને વાતચીતથી દૂર રાખે છે તો તેમણે કહ્યું ના.
આ પણ વાંચો : જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસના ચૂંટણી આભિયનની આજથી શરૂઆત, રાહુલ ગાંધી બે રેલીઓ સંબોધશે
ભારત-અમેરિકા સંબંધો બંને દેશો માટે મહત્વપૂર્ણ
ભારત-અમેરિકા સંબંધો અંગેના એક પ્રશ્ન પર રાહુલે કહ્યું કે તેને બંને દેશોમાં દ્વિપક્ષીય સમર્થન છે. તેમણે કહ્યું, ‘મને કોઈ મોટો ફેરફાર દેખાતો નથી. મને નથી લાગતું કે પીએમ મોદીનો અમેરિકા પ્રત્યેનો અભિગમ અમારાથી અલગ છે. મને લાગે છે કે દરેક વ્યક્તિ એ હકીકત સ્વીકારે છે કે ભારત-અમેરિકા સંબંધો બંને દેશો માટે મહત્વપૂર્ણ છે.