અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું નિષ્ફળ, ભારતને ચેતવણી
નવી દિલ્હી: અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમણે અમેરિકાની ધરતી પર ખાલિસ્તાન અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. એક અમેરિકન અધિકારીએ બુધવારે આ અંગે જાણકારી આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર અમેરિકન અધિકારીઓએ આ મામલે ભારત સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે કે કદાચ ભારત સરકારને આ ષડયંત્રની જાણ હતી.
એક અખબારના અહેવાલ મુજબ ખાલિસ્તાન અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની યુએસની ધરતી પર હત્યા કાવતરાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમેરિકાએ આ ષડયંત્ર બાબતે ભારત સરકારને ચેતવણી આપી છે. અહેવાલ અનુસાર, ષડયંત્રનું નિશાન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)નો નેતા ગુરપતવંત સિંહ પન્નુ હતો.
અખબારી અહેવાલ મુજબ અમેરિકાના આરોપો અંગે ભારત સરકારે જણાવ્યું હતું કે ભારત સુરક્ષા અંગે અમેરિકન ઈનપુટને ગંભીરતાથી લઈ રહ્યું છે અને આ સંદર્ભમાં તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ, યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે કાવતરાના અંગે એક કથિત આરોપી સામે સીલબંધ કવર પણ દાખલ કર્યું છે. આરોપી વ્યક્તિએ યુએસ છોડી દીધું હોવાનું માનવામાં આવે છે. અહેવાલો મુજબ કથિત કાવતરા અંગે પન્નુએ જણાવ્યું હતું કે, અમેરિકન ધરતી પર અમેરિકન નાગરિક પર હુમલાનું કાવતરુંએ અમેરિકાની સાર્વભૌમત્વ માટે એક પડકાર છે, અને મને વિશ્વાસ છે કે બાઈડેન વહીવટીતંત્ર આવા કોઈપણ પડકારને સંભાળવા માટે સક્ષમ છે. જો કે પન્નુએ એ કહેવાનો ઇનકાર કર્યો હતો કે શું યુએસ સત્તાવાળાઓ તેને આવા કોઈ કાવતરા અંગે ચેતવણી આપી હતી કે નહીં.
નોંધનીય છે કે એર ઈન્ડિયાના પ્લેનને ઉડાવી દેવાની ધમકી બદલ ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)એ પન્નુ સામે કેસ નોંધ્યો હતો તેના થોડા દિવસો બાદ જ આ આરોપ લાગ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં વાનકુવરમાં ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ગુપ્તચર એજન્સીના એજન્ટોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો, ત્યાર બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારીય વિવાદ ઉભો થયો હતો. ભારત સરકારે કેનેડાના આરોપોને પાયા વિહોણા ગણાવી ફગાવી દીધા હતા. આ વખતે ભારત સરકારે જણાવ્યું હતું કે ભારત સુરક્ષા અંગે અમેરિકન ઈનપુટને ગંભીરતાથી લઈ રહ્યું છે અને આ સંદર્ભમાં તપાસ કરવામાં આવી રહી છે.