ઇન્ટરનેશનલ

નેપાળમાં લેન્ડિંગ વખતે રનવે પરથી લપસ્યું બુદ્ધ એરનું વિમાન, 55 લોકોનો આબાદ બચાવ

નેપાળમાં શુક્રવારની રાત પ્રવાસીઓ માટે ડર અને આશા વચ્ચેની સાબિત થઈ હતી. ભદ્રપુર એરપોર્ટ પર ઉતરાણ સમયે એક પેસેન્જર વિમાન રનવે પરથી ઉતરી જતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, નસીબ જોગે વિમાન એક મોટી ખાઈ કે નદીમાં ખાબકતા બચી ગયું અને એક મોટી જાનહાનિ ટળી ગઈ. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

કાઠમંડુથી ઉડેલી બુદ્ધ એરની ફ્લાઇટ નંબર 901 રાત્રે આશરે 9:08 વાગ્યે ઝાપાના ભદ્રપુર એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી. કેપ્ટન શૈલેષ લિમ્બુના સંચાલન હેઠળના આ વિમાને ઉતરાણ વખતે સંતુલન ગુમાવ્યું હતું, પરિણામે તે રનવે પરથી લપસીને અંદાજે 200 મીટર દૂર ઘાસવાળા વિસ્તારમાં જઈને અટકી ગયું હતું. આ ઘટના બાદ વિમાનમાં સવાર 51 મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી, પરંતુ પાયલટની સૂઝબૂઝથી વિમાન નદીમાં પડતા બચી ગયું હતું.

ઘટનાની જાણ થતા જ ઝાપાના મુખ્ય જિલ્લા અધિકારી (CDO) શિવરામ ગેલાલ અને એરપોર્ટ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા થઈ નથી. તમામ 51 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રવક્તા રિન્જી શેરપાએ પુષ્ટિ કરી છે કે વિમાનને નજીવું નુકસાન થયું છે અને બચાવ કામગીરી સફળ રહી છે.

બુદ્ધ એરલાઇન્સે આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે કાઠમંડુથી ટેકનિકલ નિષ્ણાતોની એક વિશેષ ટીમ તપાસ માટે મોકલવામાં આવી છે. આ વિમાનની તે દિવસની આ છેલ્લી ફ્લાઇટ હતી અને તેને રાત્રે ભદ્રપુર રોકાઈને સવારે પરત ફરવાનું હતું. હાલમાં વિમાન રનવેની બહાર કેમ ગયું અને તેમાં કોઈ યાંત્રિક ખામી હતી કે કેમ, તે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળની કંપનીઓ કૉલ ઈન્ડિયા પાસેથી કોલસાની સીધી ખરીદી કરી શકશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button