ગરમી અને બીમારી સહિત આ કારણોથી 1300 હજયાત્રીના મૃત્યુ

ઇસ્લામ ધર્મમાં માનનારા વિશ્વના લાખો લોકો હજ માટે સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં પહોંચ્યા છે દરમિયાન એક અહેવાલ અનુસાર હજયાત્રામાં અત્યાર સુધીમાં 1300 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ માટે ભારે ગરમી અને હીટ વેવ કારણભૂત છે.
આ અંગે આરબ દેશે નિવેદન જારી કરીને કહ્યું હતું કે હજ યાત્રીઓએ આ વર્ષે અત્યંત ઊંચા તાપમાનનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગના મૃતકો પાસે સત્તાવાર પરમિટ નહોતી. આરબ રાજદ્વારીઓએ અજિપ્તનો દાખલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે મોટા ભાગના ઇજિપ્તવાસીઓ મૃત્યુ પામ્યા છે, તે માટે તેઓ પોતે જ જવાબદાર છે. હજ યાત્રામાં 658 ઇજિપ્તવાસીના મૃત્યુ થયા હતા, તેમાંથી 630 અનરજિસ્ટર્ડ યાત્રાળુઓ હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, “અલ્લાહ મૃતકોને માફ કરે અને દયા કરે. તેમના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના છે.” અને ઉમેર્યું હતું કે ભારે ગરમીના જોખમો અંગે જનજાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
સાઉદી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે 1.8 મિલિયન યાત્રાળુઓએ ભાગ લીધો હતો, જે ગયા વર્ષની સમાન સંખ્યા હતી, અને તે 1.6 મિલિયન વિદેશથી આવ્યા હતા. આ વર્ષે મક્કામાં તાપમાન 51.8C (125.2F) જેટલું ઊંચું હતું.
તમામ મુસ્લિમોએ તેમના જીવનમાં કમ સે કમ એક વાર હજ યાત્રા કરવી આવશ્યક છે. હજ પરમિટ ક્વોટા સિસ્ટમ પર દેશોને ફાળવવામાં આવે છે અને લોટરી દ્વારા વ્યક્તિઓને વહેંચવામાં આવે છે. જેમને હજ જવાની પરમિટ મળે છે તેમને પણ ભારે ખર્ચ કરવો પડે છે, જેને કારણે અનેક મુસ્લિમો પરમિટ વિના હજનો પ્રયાસ કરવાનો રસ્તો અપનાવે છે અને તેઓ પકડાય તો ધરપકડ અને દેશનિકાલનું જોખમ લે છે.
આ વર્ષે હજનો સમયગાળો 9મેથી 22 જુલાઇ સુધીનો છે. હજ યાત્રામાં મૃત્યુ પામેલા લોકોમાં 98 ભારતીય મુસ્લિમનો પણ સમાવેશ થાય છે.