ઇન્ટરનેશનલ

નેપાળ પછી ફિલિપાઈન્સમાં સરકાર વિરુદ્ધ બળવોઃ જનતાનું રસ્તા પર વિરોધ પ્રદર્શન…

મનીલાઃનેપાળમાં યુવાનો દ્વારા કરવામાં આવેલા બળવાએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. દેશમાં ચાલતા ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર લાગેલા પ્રતિબંધથી યુવાનોમાં આક્રોશ જાગ્યો હતો. આ આક્રોશની આગમાં સત્તા પણ હોમાઈ ગઈ હતી. આવી જ બીજી ઘટના ફિલિપાઈન્સમાં બની છે.

ભ્રષ્ટાચારના કારણે લોકોના મનમાં અસંતોષની આગ ભભૂકી ઊઠી છે, નેપાળ પછી હવે આ દ્વીપસમૂહ દેશમાં પણ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, આ વિરોધનો અવાજ દેશની રાજધાની મનિલામાં ગૂંજ્યો હતો.

આજે મનિલામાં હજારો પ્રદર્શનકારીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વિરોધ એક મોટા ભ્રષ્ટાચાર કૌભાંડ વિરુદ્ધ છે, આ કૌભાંડમાં સાંસદો, સરકારી અધિકારીઓ અને વેપારો સામેલ હોવાનો આરોપ પ્રદર્શનકારીઓ દ્વારા લગાડવામાં આવ્યો છે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે પૂર નિયંત્રણ પ્રોજેક્ટ્સમાં મોટી લાંચ લેવામાં આવી છે. અચાનક ફાટી નીકળેલી હિંસા અટકાવવા માટે પોલીસ અને સેનાને સૂચના આપવામાં આવી છે. મનિલાના ઐતિહાસિક પાર્ક તથા મુખ્ય EDSA હાઈવે પાસેના લોકતંત્ર સ્મારક વિસ્તારમાં અલગ-અલગ પ્રદર્શનો માટે હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ફિલિપાઈન્સમાં ઉગ્ર વિરોધ અને હિંસાની સંભાવનાને જોતા અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના દૂતાવાસોએ તેમના નાગરિકોને પ્રદર્શન વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે. પ્રદર્શનકારીઓએ ફિલિપાઈન્સમાં ધ્વજ લહેરાવ્યા અને મોટા બેનર પર “હવે નહીં, બસ થઈ ગયું, તેને જેલમાં નોખો” જેવા ઉગ્ર નારા લખ્યા હતા.

આ મામલે વિદ્યાર્થી નેતા અલ્થિયા ટ્રિનિડાડે કહ્યું કે, “અમે ગરીબીમાં જીવીએ છીએ, અમારા ઘર અને ભવિષ્ય વિનાશ પામે છે, જ્યારે આ લોકો અમારા ટેક્સના પૈસાથી મોટી કારો, વિદેશ પ્રવાસ કરે છે, ત્યારે અમને દુ:ખ થાય છે.”

લોકોનો આરોપ છે કે ફિલિપાઈન્સના પૂર નિયંત્રણ પ્રોજેક્ટ્સમાં મોટું કૌભાંડ થયું છે. ઉલ્લેખનીય છે કે આંદોલનકારીઓ બુલાકાન પ્રાંતના છે. જે પૂરથી અસરગ્રસ્ત વિસ્તાર છે જ્યારે પૂર નિયંત્રણ માટે બનાવવામાં આવેલી યોજનાઓ નીચી ગુણવત્તાની છે, કા તો ઘણી યોજના અસ્તિત્વમાં જ નથી.

કેથોલિક બિશપ સંમેલનના વડા કાર્ડિનલ પાબ્લો વર્જિલિયો ડેવિડે કહ્યું કે, “અમારો ઉદ્દેશ અસ્થિરતા નહીં, પરંતુ લોકતંત્રને મજબૂત કરવાનો છે.” તેણે લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરીને જવાબ આપવાની માગ કરવાની અપીલ કરી હતી.

મુખ્ય આંદોલનકારીઓએ જણાવ્યું કે તેઓનું ધ્યાન ભ્રષ્ટ અધિકારીઓ, સાંસદો અને કન્સ્ટ્રક્શન કંપનીઓના માલિકોને ઉજાગર કરવા પર કેન્દ્રીત કરે છે. તેઓ રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરના રાજીનામાની માગ કરતા નથી.

રાષ્ટ્રપતિ માર્કોસ જુનિયરે જુલાઈમાં તેમના રાષ્ટ્રીય સંબોધનમાં આ પૂર નિયંત્રણ પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારના મુદ્દાને ઉઠાવ્યો હતો ત્યાર બાદ તેણે એક સ્વતંત્ર તપાસ આયોગની રચના કરી, જેણે 9,855 પ્રોજેક્ટ્સની તપાસ શરૂ કરી છે, જેની કિંમત 545 અરબ પેસો (લગભગ 9.5 અરબ ડોલર) છે. તેણે આ ભ્રષ્ટાચારને “ભયાનક” ગણાવીને જાહેર કાર્ય વિભાગના સચિવનું રાજીનામું સ્વીકારી લીધું છે.

આ પણ વાંચો…નેપાળમાં આંદોલનમાં માર્યા ગયેલા યુવાનોના પરિવારોને મળશે ₹15 લાખનું વળતર: વડાપ્રધાન સુશીલા કાર્કીનો મોટો નિર્ણય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button