ફિલિપાઇન્સમાં આફતઃ ચક્રવાત અને પૂરે વધુ ૨૩નો ભોગ લીધો

મનિલાઃ ફિલિપાઇન્સમાં આજે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં ૨૩ લોકોના મોત થયા હતા. આ દરમિયાન અનેક કાર વહી ગઇ હતી. તેમજ ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે અધિકારીઓને મોટરબોટની મદદ લેવી પડી હતી. કેટલાક લોકો છત પર ફસાયા હતા.
દેશના ઉત્તરપૂર્વ પ્રાંત ઇસાબેલામાં મધ્યરાત્રિ પછી ઉષ્ણકટિબંધીય તોફાન ટ્રામી ત્રાટક્યું હતું. તોફાનની અસરથી ઇફુગાઓના પર્વતીય પ્રદેશના ઇગુઇનાલ્ડો શહેરમાં સવારના સમયે ૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સરકારી આગાહીકારો અનુસાર પવન પશ્ચિમ દિશા તરફ ફૂંકાય રહ્યો છે અને તે દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે.
વાવાઝોડાથી બિકોલ અને ક્વેઝોન, નાગા શહેર પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયા છે. પૂરે સૌથી વધુ તબાહી આ જ વિસ્તારોમાં મચાવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ડઝનબંધ લોકો ગુમ છે, જેથી મૃત્યુઆંક વધવાની પૂરેપૂરી સંભાવના છે. બુધવારે પણ વરસાદ અને પૂરના લીધે નવ લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો : US Elections 2024: ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યો છેડતીનો આરોપ, મૉડલે કહ્યું- મને પકડીને…..
સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર વાવાઝોડાથી ૨૦ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. જેમાં ૭૫,૪૦૦ ગ્રામીણનો સમાવેશ થાય છે, જેઓ તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે અને સુરક્ષિત સ્થળોએ આશરો લઇ રહ્યા છે. ફિલિપાઇન્સમાં દર વર્ષે લગભગ ૨૦ તોફાન અને ચક્રવાત આવે છે.