ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણયઃ ડાયાબિટીસ, હાર્ટની તકલીફ ધરાવતાં લોકોને નહીં મળે વિઝા, જાણો ભારતીયો પર શું થશે અસર

વોશિંગ્ટન ડીસી: અમેરિકન સત્તા પર આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક આકરા નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે વિઝાના નિયમોમાં પણ ઘણી વખત ફેરફાર કર્યા. જેનાથી અમેરિકા જવાની ઈચ્છા રાખતા લોકોની મુશ્કેલીઓ વધી હતી. ત્યારે ફરી એક વખત અમેરિકા જવાનું સપનું જોતા લાખો લોકોને ટ્રમ્પ વહીવટીતંત્રે મોટો ઝટકો આપ્યો છે.
નવા નિયમો પ્રમાણે જે વ્યક્તિને ડાયાબિટીસ, હૃદયરોગ કે કેન્સર જેવી લાંબા સમયની બીમારી હશે તેને વીઝા કે ગ્રીનકાર્ડ મળવું લગભગ અશક્ય બની જશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિશ્વભરની અમેરિકી એમ્બેસીઓને નવી સૂચના મોકલી દીધી છે.
આ બીમારી ધરાવતા લોકોને નહીં મળે વિઝા
નવા નિયમ પ્રમાણે હૃદયરોગ, શ્વાસની તકલીફ, કેન્સર, ડાયાબિટીસ, મેટાબોલિક ડિસીઝ, ન્યુરોલોજિકલ સમસ્યાઓ અને માનસિક બીમારીઓને “જાહેર બોજ” ગણવામાં આવશે. ખાસ વાત એ છે કે મેદસ્વીતા (ઓબેસિટી)ને પણ વિઝા આપવાનો ઈનકાર કરી દેવામાં આવશે. કારણ કે તેનાથી અસ્થમા, સ્લીપ એપ્નિયા અને હાઈ બ્લડપ્રેશર જેવી તકલીફો થઈ શકે છે.
જો કોઈ પણ વ્યક્તિ લાંબા સમયની બીમારીથી પિડાઈ રહ્યો હોય અને તેને આ બીમારીના ઈલામાટે કોઈ સહાયની જરૂર પડતી હોય તેવા લોકો માટે અમેરિકા હવે વિઝા નહીં આપે. વીઝા અધિકારીઓને હવે સીધું પૂછવાનું કહેવાયું છે કે “શું તમે જીવનભરની સારવારનો ખર્ચ ઉઠાવી શકશો, બિનજરૂરી સરકારી મદદ વગર?” જો જવાબ ના હોય તો વીઝા રદ. સૌથી મોટી ચિંતા એ છે કે આ અધિકારીઓ ડૉક્ટર નથી, તેમ છતાં તેઓ કોઈના આખા જીવનના આરોગ્યનો અંદાજ લગાવી રહ્યા છે.
કોના પર સૌથી વધુ અસર?
આ નિર્ણયનો સિધ્ધો અસર વૃદ્ધ લોકો, મધ્યમ વર્ગના પરિવારો અને સામાન્ય બીમારીઓ ધરાવતા લોકો પર પડશે. આ લોકો હવે અમેરિકા જવા માટે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. ફક્ત અમીર અને સંપૂર્ણ તંદુરસ્ત લોકોને જ વીઝા મળશે. પર્યટક વીઝા અને સ્ટુડન્ટ વીઝાને લઈ હજુ કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ કાયમી રહેઠાણ માંગતા લોકો પર સીધો પ્રહાર છે.
આ પણ વાંચો…AI માટે ભારતીયોની જરૂર! અમેરિકી સાંસદોએ H-1B વિઝાના આદેશને પાછો ખેંચવા ટ્રમ્પને કરી અપીલ



