શાંતિ મિશન કે કૂટનીતિક દાવ? અલાસ્કા બેઠક પર વિશ્વની નજર; બેઠક પહેલા ટ્રમ્પની ચેતવણી

અલાસ્કા: યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે વિશ્વની નજર જે બેઠક પર મંડાયેલી હતી, તે માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટનથી એરફોર્સ વન દ્વારા અલાસ્કા પહોંચી ગયા છે. અહીં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. બંને નેતાઓ વચ્ચે આજે રાત્રે ૧૨:૩૦ વાગ્યે આ મુલાકાત યોજાવાની છે. આ મુલાકાત પહેલાં ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘High Stakes’ લખીને આ બેઠકનું મહત્ત્વ દર્શાવ્યું હતું.
શાંતિ માટેનો પ્રયાસ, પરંતુ શરતો સાથે
અલાસ્કા જવા રવાના થતા પહેલાં ટ્રમ્પે જણાવ્યું કે પુતિન તેમની અર્થવ્યવસ્થામાં રસ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે જો અમે કોઈ પ્રગતિ કરીશું, તો તેઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી રશિયા-યુક્રેન યુદ્ધ અટકશે નહીં, ત્યાં સુધી કોઈપણ પ્રકારનો વેપાર થઈ શકશે નહીં.
અહેવાલ મુજબ, આ બેઠક દરમિયાન યુક્રેનમાં યુદ્ધવિરામ કરાર પર વાતચીત થવાની અપેક્ષા છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે વાતચીતનું કોઈને કોઈ પરિણામ ચોક્કસ આવશે. તેમણે યુક્રેનના પ્રાદેશિક મુદ્દા પર જણાવ્યું કે આખરી નિર્ણય યુક્રેને જ લેવાનો રહેશે.
ટ્રમ્પનો કૂટનીતિક દાવ
ટ્રમ્પે યુદ્ધની પરિસ્થિતિ અંગે કહ્યું કે પુતિનને કદાચ લાગે છે કે યુદ્ધથી તેમની વાતચીતની સ્થિતિ મજબૂત થઈ છે, પરંતુ મારું માનવું છે કે તેનાથી તેમને નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું, “મને લાગે છે કે તેઓ વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.” આ મુલાકાતના સંભવિત પરિણામો વિશે પૂછવામાં આવતાં ટ્રમ્પે ચેતવણી આપી કે તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે. આ બેઠકમાં ટ્રમ્પની સાથે વિદેશ મંત્રી માર્કો રુબિયો, નાણા મંત્રી સ્કોટ બેસન્ટ, વાણિજ્ય મંત્રી હોવર્ડ લટનિક, સીઆઈએના ડાયરેક્ટર જોન રેટક્લિફ અને અન્ય ટોચના સહયોગીઓ પણ હાજર રહેશે.