ઇન્ટરનેશનલ

સોશિયલ મીડિયા Influencers જાગો: સંતાનોને મોતના મુખમાં ધકેલાતા પહેલા વિચારો…

આપણે ઘણી વાર રસ્તે ચાલતા ખતરનાક પ્રાણીઓ જોઇએ છીએ, જેને હળવાશમાં ના લેવા જોઇએ, પણ આજના સોશિયલ મીડિયા યુગમાં લોકોને ફોટા અને વીડિયો પોસ્ટ કરવાનો એટલો ગાંડો ક્રેઝ છે કે એને માટે તેઓ કંઇક ઉપાધિ વહોરી લેતા હોય છે અને જાન પણ જોખમમાં નાખતા હોય છે. પણ જ્યારે ફોટા અને વીડિયો બનાવવાની ઘેલછામાં માતાપિતા જ પોતાના સંતાનોના જીવ જોખમમાં મૂકે ત્યારે તો હદ થઇ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક માબાપ પોતાના વહાલસોયા સંતાનોના ફોટા લેવા માટે તેમને મગર સાથે પોઝ લેવા માટે ઊભા રાખે છે.

વીડિયોમાં ડરી ગયેલા બાળકો રસ્તાના કિનારે ઉભા રહીને મગર સાથે પોઝ આપતા જોવા મળે છે. આવા માબાપને કોણ સમજાવે કે ભાઇ, આ મગર છે, તમારો મિત્ર નથી. એ છુટ્ટો છે અને કોઇ પણ ઘડીએ હુમલો કરી શકે છે.

આ વાયરલ વીડિયોમાં તો માતાપિતા જ તેમના વહાલસોયા સંતાનોને મોતના મુખમાં ધકેલતા હોય એવું લાગી રહ્યું છે. આ વીડિયો જોઇને તમને પણ આવા માબાપ પર ગુસ્સો આવશે. વીડિયોમાં રોડ કિનારે મગર મોં ફાડેલો જોવા મળે છે. એ દરમિયાન એક કપલ તેમના બાળકો સાથે સાયકલ પર ત્યાંથઈ પસાર થતાં મગરને જોઇને ઊભા રહી જાય છે અને બાળકોને સાઈકલ પરથી ઉતરીને મગરની નજીક જઈને પોઝ આપવા કહે છે, જેથી તેઓ તેમની તસવીર લઈ શકે. મગરના ડરથી ધ્રૂજતા બાળકો કમને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરે છે અને મગર નજીક જઇને ઊભા રહે છે. પછી માતા-પિતા ફોટા, વીડિયો શૂટ કરે છે.

આ ઘટના ફ્લોરિડાના એવરગ્લેડ્સ નેશનલ પાર્કની જણાવવામાં આવી રહી છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ઈન્ફ્લુઅન્સર સિંથેવાઈલ્ડ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છ્, જેના પર લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોને આ માતાપિતાનું પાગલપન લાગી રહ્યું છે તો કેટલાક લોકોએ જણાવ્યું હતું કે સંતાનોને મગર નજીક ઊભા રાખવા કરતા માતાપિતાએ જ મગર નજીક ઊભા રહી સેલ્ફી લેવી જોઇતી હતી. તમારું શું માનવું છે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button