પાપુઆ ન્યુ ગિની હિંસામાં અનેક લોકોના મોતઃ સંયુક્ત રાષ્ટ્ર…
મેલબોર્નઃ પાપુઆ ન્યુ ગિનીમાં ગેરકાયદેસર ખાણિયાઓ વચ્ચેની હિંસામાં ૨૦થી ૫૦ લોકોના મોત થયા છે. આ માહિતી સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આપી હતી. દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્રની સરકારના જણાવ્યા અનુસાર મે મહિનામાં ભૂસ્ખલન સ્થળની નજીક પોર્ગેરા ખીણમાં થોડા દિવસો પહેલા લડાઇ શરૂ થઇ હતી અને તે હજુ પણ ચાલુ છે. આ ભૂસ્ખલનમાં અંદાજિત ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો: બાંગ્લાદેશના આર્થિક વિકાસ માટે અમેરિકા કરશે આટલા મિલિયન ડોલરની મદદ
પાપુઆ ન્યુ ગિનીના સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી સલાહકાર મેટ બાગોસીએ જણાવ્યું કે રવિવાર સુધીમાં ઓછામાં ઓછા ૨૦ લોકો મૃત્યુ પામ્યા હતા, જે દેશના પર્વતીય અંતર્દેશીય ક્ષેત્ર એંગા પ્રાંતમાં સમુદાયના સભ્યો અને સ્થાનિક અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પર આધારિત છે.
બાગોસીના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા ૨૦ લોકોના મોતની અમે પુષ્ટિ કરી છે, પરંતુ અમારી પાસે છેલ્લા સમાચાર મુજબ આંકડો ૫૦ જેટલો હોઇ શકે છે. લડાઇ ચાલુ છે. બાગોસીએ સેના અને પોલીસનો હવાલો દેતા કહ્યું કે આજે કેટલાક સુરક્ષા દળોએ આગળ વધવાનું શરૂ કર્યું છે…તેથી તેની શું અસર થશે તે જોવાનું બાકી છે. બાગોસી પાસે ઘાયલોની સંખ્યા વિશે માહિતી ઉપ્લબ્ધ નથી.